
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં ચાઈનીઝ દોરી અને નાયલોન દોરીના વેચાણ પર અંકુશ લાવવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે.સાપુતારા પોલીસ મથકના પી.આઈ.આર.એસ.પટેલ અને પી.એસ.આઈ.પી.ડી.ગોંડલીયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પતંગનાં દુકાનદારો પાસે ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત દોરીઓની તપાસ કરી હતી.ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક છે.આ દોરીઓ કાપવાથી લોકો ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને સાપુતારા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.
સાપુતારા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કોઈપણ દુકાનદાર પાસેથી પ્રતિબંધિત દોરી મળી આવી નહોતી.જો કે, પોલીસે તમામ દુકાનદારોને ચેતવણી આપી છે કે તેઓ પ્રતિબંધિત દોરીનું વેચાણ ન કરે. જો કોઈ દુકાનદાર આ નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ સાપુતારા પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ચાઈનીઝ દોરી અને નાયલોન દોરીનો ઉપયોગ ન કરે.આ પ્રકારની દોરીઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ.સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં ઉતરાયણનો તહેવાર સુરક્ષિત રીતે ઉજવવા માટે તથા પતંગ ચગાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ એવી અપીલ પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા કરવામાં આવેલ છે.





