GUJARATKUTCHMUNDRA

ભાવિ શિક્ષકોની ધીરજની કસોટી કે તંત્રની બેદરકારી? ટેટ-1 ની પરીક્ષામાં ઉમેદવારો રઝળી પડ્યા!

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

ભાવિ શિક્ષકોની ધીરજની કસોટી કે તંત્રની બેદરકારી? ટેટ-1 ની પરીક્ષામાં ઉમેદવારો રઝળી પડ્યા!

 

અમદાવાદ, તા.21: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે આયોજિત ટેટ-1 ની પરીક્ષા વ્યવસ્થામાં તંત્રની ભયંકર બેદરકારી અને અણઘડ આયોજનના ધજાગરા ઉડ્યા છે. રાજ્યના ભાવિ ઘડવૈયા ગણાતા અંદાજે 1 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપતા પહેલા જ માનસિક રીતે ભાંગી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ‘ડિજિટલ ગુજરાત’ના મોટા દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની એક નાનકડી ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો શોધવામાં જ કલાકો સુધી રઝળપાટ કરવો પડ્યો હતો.

પરીક્ષા બોર્ડની સૌથી મોટી અક્ષમ્ય નબળાઈ એ રહી કે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં એક જ નામ ધરાવતી અનેક શાળાઓ હોવા છતાં ઉમેદવારોના કોલ લેટરમાં અધૂરા કે અસ્પષ્ટ સરનામા આપવામાં આવ્યા હતા. આ મર્યાદિત વિગતોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉમેદવારોએ જ્યારે ગૂગલ મેપનો સહારો લીધો ત્યારે ટેકનોલોજીએ પણ અધૂરી માહિતીને લીધે તેમને અવળા રસ્તે ચડાવ્યા હતા. એક જ નામની બીજી શાળાએ પહોંચી ગયેલા સેંકડો પરીક્ષાર્થીઓ સાચા કેન્દ્ર સુધી પહોંચવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ ભુલભુલામણીમાં ઉમેદવારો પરીક્ષા શરૂ થતા પહેલા જ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે લોથપોથ થઈ ગયા હતા જેના માટે સીધો જવાબદાર શિક્ષણ વિભાગનો અણઘડ વહીવટ છે.

અન્ય જિલ્લાઓ ખાસ કરીને કચ્છથી આવેલા ઉમેદવારો સાથે તંત્રએ જાણે ક્રૂર મજાક કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ન ફાળવીને ઉમેદવારોને 400 કિલોમીટર દૂર અમદાવાદ ધકેલી દેવાયા હતા. અમદાવાદ ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોમાં કેન્દ્રો હોવાથી રિક્ષા ચાલકો અને ખાનગી ટેક્સીઓએ મનસ્વી ભાડા વસૂલીને બેરોજગાર યુવાનોને આર્થિક રીતે લૂંટ્યા હતા. ઓલા જેવી ઓનલાઈન મુસાફરી એપમાં રાઈડ બુક કરાવ્યા છતાં નક્કી કરેલા ભાડા કરતા વધુ રકમ પડાવવાની ફરિયાદો પણ ઉઠી હતી. આ દોડધામ વચ્ચે અમદાવાદમાં બે ઉમેદવારો રસ્તો ઓળગવા જતા અકસ્માતનો ભોગ બનતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. જો તંત્રએ નજીકના જિલ્લાઓમાં કેન્દ્રો ફાળવ્યા હોત તો કદાચ આ લોહીથી ખરડાયેલી પરીક્ષાની સ્થિતિ ટાળી શકાઈ હોત.

સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, પોતાની જાતને ‘સંવેદનશીલ’ ગણાવતી અને ‘મૃદુ તેમજ મક્કમ’ હોવાનો દાવો કરતી સરકાર આટલી મોટી અવ્યવસ્થા સામે ચૂપ કેમ છે? જ્યારે ધોરણ 10 અને 12 ના લાખો વિદ્યાર્થીઓ પોતાના જ જિલ્લામાં પરીક્ષા આપી શકતા હોય ત્યારે રાજ્યના ભાવિ શિક્ષકોને સેંકડો કિલોમીટર દૂર ધકેલીને કઈ રીતે ‘સુશાસન’ સાબિત કરવામાં આવી રહ્યું છે? મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા તેમજ પ્રગતિશીલ મંત્રી શ્રી હર્ષ સંઘવી આ ગંભીર બેદરકારી સામે મૌન તોડી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી આજના સમયની પ્રબળ માંગ છે. શિક્ષિત યુવાનોને આ પ્રકારે રઝળતા મૂકવા એ તંત્રની ઘોર નિષ્ફળતા છે અને તેના પર ગંભીર ચિંતન જરૂરી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!