આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય ના મંત્ર સાથે જૂનાગઢમાં ત્રિ-દિવસીય આયુષ મેળાનો પ્રારંભ; પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય ના મંત્ર સાથે જૂનાગઢમાં ત્રિ-દિવસીય આયુષ મેળાનો પ્રારંભ; પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ

નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ નો આજરોજ પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ આયુર્વેદિક જીવનશૈલી પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.આ પ્રસંગે સરકારી આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સિદ્ધેશ પંડ્યાના જણાવ્યા અનુસાર, લોકોમાં એવી સામાન્ય માન્યતા છે કે આયુર્વેદ એટલે માત્ર ઉકાળા કે ફાકી જ હોય છે, પરંતુ આયુષ મેળો આ ભ્રમણા દૂર કરી આયુર્વેદના સાયન્ટિફિક એપ્રોચને જનસામાન્ય સુધી પહોંચાડશે.આ આયુષ મેળામાં એલોપેથીની જેમ જ આયુર્વેદના અલગ-અલગ વિભાગો જેવા કે પીડિયાટ્રિક્સ, ગાયનેક, મેડિસિન અને સર્જરીના સ્વતંત્ર સ્ટોલ રાખવામાં આવ્યા છે.મુલાકાતીઓને અહીં પ્રત્યક્ષ જાણકારી મળશે કે આયુર્વેદમાં માત્ર દવાઓ જ નહીં, પણ સર્જરી, ચશ્મા ઉતારવાની ટ્રીટમેન્ટ અને હરસ-મસા કે ભગંદર જેવી વ્યાધિઓની સચોટ સારવાર ઉપલબ્ધ છે.વર્તમાન સમયમાં યુવાનોમાં જંક ફૂડ અને ‘રેડી-ટુ-ઈટ’ ખોરાકનો ટ્રેન્ડ વધ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે.ત્યારે યુવાનો આધુનિક જીવનશૈલી અને ખોરાકની આડઅસરો વિશે જાણી શકે એ માટે આ મેળામાં ખાસ કરીને આવા ખોરાકમાં વપરાતા મોનોસોડિયમ ગ્લુટામેટ જેવા કેમિકલ્સથી લિવર, કિડની અને હૃદયને થતા નુકસાન વિશે વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવશે.આ આયુષ મેળાનો હેતુ માત્ર રોગની સારવારનો જ નથી, પરંતુ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ આયુર્વેદિક સિદ્ધાંતો અપનાવીને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તેનું શિક્ષણ આપવાનો છે.આ આયોજન માત્ર શહેર પૂરતું મર્યાદિત ન રહેતા, જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ આયુર્વેદિક દવાખાનાઓ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પણ આયુર્વેદનો વૈજ્ઞાનિક સંદેશ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પ્રકૃતિ પરીક્ષણ, હાડકાની ઘનતા માપવા માટેનો કેમ્પ, અને આયુષ પ્રદર્શન,નિશુલ્ક બ્લડ સુગર માપવાની સુવિધા ઉપલબ્ધ ઉપરાંત આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યવર્ધક પીણાં (હેલ્થ ડ્રિંક) અને ઇનોવેટિવ સ્વાસ્થ્યવર્ધક રેસિપીનું પ્રદર્શન યોજાયુ હતુ.આયુષ મેળામાં સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલનાં કુલ ૧૪ જેટલા વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીનાં સ્ટોલ અને ૧ હોમિયોપેથી એમ કુલ ૧૫ વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીનાં સ્ટોલ નિદર્શન યોજાયુ હતુ.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








