BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠામાં ૨૯થી ૩૧ ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રિદિવસીય ઉજવણી કરાશે

26 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

હર ગલી,હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં ખેલ મહોત્સવનું આયોજન
સમગ્ર કાર્યક્રમના આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.એસ.કે.મહેતા હાઈસ્કુલ જગાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે: ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા સહિત રમત ગમત સ્પર્ધાઓનું આયોજન:- કલેકટરશ્રી મિહિર પટેલ “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી” થીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રી – દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે. જેમાં ૨૯ ઓગસ્ટના રોજ એસ.કે.મહેતા હાઈસ્કુલ જગાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં ફિટ ઈન્ડિયા અંગે પ્રતિજ્ઞા તથા રમત ગમત સ્પર્ધાઓની આયોજન કરાશે. કાર્યક્રમના સ્થળે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. રમત ગમત ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રસ્સા ખેંચ, વૉલીબૉલ, દોરડા કૂદ અને સંગીત ખુરશી સ્પર્ધાઓ યોજાશે. આ સાથે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રમત મેદાન સુવિધા મુજબ ૧ કલાક રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. ૨૯ ઓગસ્ટના રોજ ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન પણ કરાશે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં ૩૦ ઓગસ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાશે. ક્રિકેટની કુલ છ ટીમ વચ્ચે સ્પર્ધા થશે. કલેકટર કચેરી, પોલીસ, પંચાયત, ડિસ્ટ્રિક જજ અને વકીલ સહિતની કચેરીઓ વચ્ચે ક્રિકેટ સ્પર્ધા યોજાશે. આ સાથે સરદાર પટેલ હાઈસ્કુલ ડીસા ખાતે હોકી સ્પર્ધાનું પણ આયોજન કરાશે.

૩૧ ઓગસ્ટના રોજ જન ભાગીદારી સાથે બાલારામ મહાદેવ, ચિત્રાસણી થી અંબાજી ગબ્બર સુધી સાયકલ રેલીનું આયોજન કરાશે. જેમાં ભાદરવી પૂનમ મહા મેળા સંદર્ભે ધજા સાથે સાયકલ યાત્રા યોજાશે. આ સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મહેશભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૨૯ ઓગસ્ટે મહાન હોકી ખેલાડી શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે ભારતના સમૃદ્ધ રમતગમત વારસા અને વૈશ્વિક પ્લેટફોર્મ પર રાષ્ટ્રને ગૌરવ અપાવનારા આપણા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!