પાલેજમાં રેલવે ઓવર બ્રિજના અભાવે વાહનચાલકોને ભારે હાલાકી…

સમીર પટેલ, ભરૂચ
પાલેજ :- ભરૂચના વેપારી મથક પાલેજ રેલવે સ્ટેશન પર ઉત્તર તેમજ દક્ષિણ દિશામાં બે રેલવે ફાટક આવેલી છે. રેલવે ટ્રેનોનો ટ્રાફિક વધતા બન્ને રેલવે ગેટ સમયાંતરે બંધ કરવા પડતા હોવાથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહનચાલકો માટે રેલવે ફાટકો હવે શિરોવેદના સમાન બનવા પામી છે. પાલેજ ટાઉન હવે આસપાસના ત્રીસથી વધુ ગામો માટે ખરીદી કરવા માટે મહત્વનું સ્થળ બની ગયું છે. સાંપ્રત મોંઘવારીના યુગમાં પાલેજ આસપાસના ૧૫ કિમી વિસ્તારના ગામોના લોકો રોજ બરોજ ખરીદી કરવા પાલેજ આવે છે. ત્યારે પાલેજ ન પશ્ચિમ વિસ્તારના ગામોના લોકોને રેલવે ગેટ બંધ હોય ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમુક સમયે એક સાથે બે થી ત્રણ ટ્રેનો પસાર થાય છે ત્યારે રેલવે ગેટ અડધો કલાકથી પણ વધુ સમય બંધ રહેતા હોવાથી સમયનો વ્યય થાય છે. અત્યાધુનિક ઝડપી યુગમાં સમયનું મહત્વ ખૂબ વધી ગયું હોવાથી પાલેજ જેવા વેપારી મથકમાં આવેલા રેલવે સ્ટેશન પર બન્ને રેલવે ગેટમાંથી કોઇપણ એક રેલવે ગેટ પર ફ્લાય ઓવરબ્રિજ અનિવાર્ય બની ગયો છે. મુખ્યત્વે સવારે પિક અવર્સમાં તેમજ સાંજે પિક અવર્સમાં ટ્રેનોનો ટ્રાફિક વધવાથી રેલવે ગેટ બંધ રહેતા વાહનોની લાંબી કતારો ઠેઠ અડધા બજાર સુધી જોવા મળે છે. વાહનોની લાંબી કતારોના પગલે સ્થાનિકો બજારમાં કામકાજ અર્થે વાહનો લઈને આવતા હોય છે તેઓને પણ ખૂબ અગવડ પડે છે. તો રેલવે તંત્ર દ્વારા વહેલી તકે પાલેજ રેલવે સ્ટેશનના કોઇપણ એક રેલવે ગેટ પર ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે એવી વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે…



