Gondal: ગોંડલ શહેરની ત્રણ શાળાઓમાં કુલ ૩૧૦ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવની અનેરી સિદ્ધિ:ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રવચન આપતા સરકારી શાળાના બાળકો
Rajkot, Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના બીજા દિવસે આજે ગોંડલ શહેરની ત્રણ શાળાઓમાં કુલ ૩૧૦ બાળકોને આંગણવાડી, બાલવાટિકા તથા ધો-૯માં શાળા પ્રવેશ કરાવાયો હતો.
ગોંડલ શહેરની શાળા નં. ૧૫માં ૮ કુમાર અને ૬ કન્યા મળી કૂલ ૧૪ બાળકોનો આંગણવાડીમાં તથા ૩ કુમાર અને ૧ કન્યાનો બાલવાટિકામાં પ્રવેશ કરાવાયો હતો. જ્યારે સંગ્રામજી બોય્ઝ હાઇસ્કુલમાં ૭૭ કુમારોનો અને કે.બી.બેરા કન્યા વિદ્યાલય ૧૧૫ કન્યાઓનો ધો-૯માં પ્રવેશ કરાવાયો હતો.
આમંત્રિતોના હસ્તે પ્રવેશપાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને હરખભેર શાળામાં એડમિશન કરાવાયું હતું. NMMS, CET, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનાના વિદ્યાર્થીઓ તથા ધો-૧ થી ૮ના પ્રથમ ક્રમના વિજેતાઓનુ આમંત્રિતોએ અભ્યાસમાં ઉપયોગી થાય તેવા પુસ્તકો તથા સાધનો આપીને સન્માન કર્યું હતું.
ગોંડલ શહેરની ત્રણેય સ્કુલના બાળકોએ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં અમૃત વચનો બોલીને રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવની અનેરી સિદ્ધિ વર્ણવી હતી. સંગ્રામજી હાઈસ્કૂલના કુમારોએ મર્યાદિત જગ્યામાં પ્રેક્ષણીય યોગ નિદર્શન કરીને ઉત્કૃષ્ટ શરીર સૌષ્ઠવનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓને ટેક હોમ રાશનના પેકેટસનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્રણેય શાળાઓમાં દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત, પ્રાર્થના ગીત, યોગ નિદર્શન અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી પરિતાબેન ગણાત્રા, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી શીતલબેન કોટડીયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રીમતી ધ્રૃપદબા જાડેજા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રીમતી પ્રસન્નબા સરવૈયા, સહાયક માહિતી નિયામક શ્રી સોનલ જોશીપુરા, સી.ડી.પી.ઓ. શ્રી કોમલબેન ઠાકર, ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ સોરઠીયા, આચાર્યશ્રી હિંડોચા પ્રકાશચંદ્ર, શીલાબેન જીણજા તથા કિશોરભાઈ વઘાસીયા, ટ્રસ્ટીશ્રી વલ્લભભાઈ કનેરીયા, શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









