GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તરઘડિયામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મગફળીના પાક વિષયક બે દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

તા.૮/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર, ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ અને પિયત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

Rajkot: રાજકોટ તાલુકાના તરઘડિયા ગામમાં આવેલા જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભારતીય મગફળી સંશોધન સંસ્થા, જુનાગઢના સહયોગથી તા. ૦૫ ઓગસ્ટ અને તા. ૦૬ ઓગસ્ટ દરમિયાન ૨ દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું.

આ તાલીમ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયો હતો. ડો. જે.એચ.ચૌધરીએ શાબ્દિક સ્વાગત અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ડો. એમ. એમ. તળપદાએ મગફળીના પાકમાં ઉત્તમ કક્ષાના બીજની પસંદગી અને નવીન જાતોના વાવેતર, શ્રી ડો. એમ. એલ. પટેલે મગફળીના પાકમાં થતા રોગ-જીવાતના સંકલિત નિયંત્રણ, શ્રી ડો. જે. એચ. ચૌધરીએ મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મગફળીનું વાવેતર તથા શ્રી ડી. પી. સાનેપરાએ મગફળીના પાકમાં પિયત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં બીજા દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવેલા ફાર્મ, પાક કૌતુકાલય, નેચરલ ફાર્મિંગ યુનિટ, મિલેટ યુનિટ, કિચન ગાર્ડન, હવામાન આગાહી પ્રયોગશાળાની મુલાકાત લઇને, ધરતીપુત્રોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ તકે ૬૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો તાલીમમાં જોડાયા હતાં, તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!