
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુસર સમગ્ર રાજયમાં તમામ તાલુકામાં તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંદર્ભે નવસારી જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી અને જિલ્લામાં કૃષિ મહોત્સવના આયોજન અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના આયોજનને લઇ તમામ તાલુકાઓમાં સ્થળ પસંદગી કરવામા આવી હતી. જે અનુસાર વાંસદા તાલુકામાં શ્રધ્ધા મંદિર- કાવડેજ ખાતે, ચીખલી તાલુકામાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ-ચીખલી ખાતે, ગણદેવી તાલુકામાં કોળી સમાજની વાડી- ગણદેવી ખાતે, જલાલપોર તાલુકામાં સેન્ટ્રલ એક્ઝામિશન હોલ-નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે, ખેરગામ તાલુકામાં રૂપા ભવાની માતાજીના મંદિર-બહેજ ખાતે તેમજ નવસારી તાલુકામાં સિસોદ્રા ક્રિકેટ ગ્રાઉન્ડ- ગણેશ સિસોદ્રા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાશે. ખેડૂતોને આધુનિક તાંત્રિકતાઓ અને નવીનતમ ટેકનોલોજીની માહિતી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન સ્ટોલ રાખવાનું તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડ્લ ફાર્મની મુલાકાત કૃષિ મહોત્સવ દરમ્યાન કરાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ બેઠક્માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક (વિ.)શ્રી, નાયબ ખેતી નિયામક (તા.)શ્રી -વ- પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા, નાયબ પશુપાલન નિયામકશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી તથા કૃષિ યુનિવર્સીટીના નોડલ કૃષિ વૈજ્ઞાનિકશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ રવિ કૃષિ મહોત્સવ દરમ્યાન જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો હાજર રહે અને પોતાના ખેતી લક્ષી પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રી કક્ષાએથી માર્ગદર્શન મેળવે એ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા અખબારી યાદી મારફત ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.



