
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના છેવાડે આવેલા અને દુર્ગમ પહાડી પ્રદેશમા સલામત સવારી પુરી પાડનાર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના આહવા ડેપોને રાજ્ય સ્તરીય સન્માન પ્રાપ્ત થયુ છે.
આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારના જણાવ્યા અનુસાર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સ્વતંત્રતા દિવસની અમદાવાદ ખાતે કરાયેલી રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન, વલસાડ ડિવિઝન હસ્તકના આહવા ડેપોને યાત્રીઓની સલામતી, સ્વચ્છતા અને સુખાકારી સાથે આહવા ડેપોના કાર્યક્ષેત્ર એવા દુર્ગમ પહાડી વિસ્તારમા વર્ષ દરમિયાન એક પણ અકસ્માત ન થવા બદલ ડેપો પરિવારનુ સન્માન કરાયુ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ.નાગરાજન (IAS) દ્વારા સ્વતંત્રતા દિવસની અમદાવાદ હેડ વર્કશોપ ખાતે કરાયેલી ઉજવણી પ્રસંગે આહવાના ડેપો મેનેજરશ્રીને સન્માન પત્ર તથા એક લાખ રૂપિયાનો ચેક એનાયત કરી, ડેપો મેનેજર સહિત ડેપોના તમામ સાથી કર્મયોગીઓનુ અભિવાદન કરતા ગર્વ અનુભવીએ છીએ તેમ જણાવ્યુ હતુ.
આહવા ડેપો પરિવારે આગામી સમયમા પણ ઉત્કૃષ્ટ યાત્રી સેવા અને સલામતીના આ રાષ્ટ્રીય કાર્યમા શ્રેષ્ઠ યોગદાન આપતા રહેવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.




