
તા.૦૫.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકામાં અનોખો “ચુલ નો મેળો” — આસ્થા અને વિશ્વાસનો અદ્દભુત મેળાપ
રણિયાર ગામે ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર ચાલી વ્યક્ત થાય છે ભક્તિ ઝાલોદ તાલુકોમાં આવેલ રણિયાર ગામ ખાતે દર વર્ષે ધુળેટીના પવિત્ર દિવસે યોજાતા “ચુલ ના મેળા”માં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળે છે. અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે.આ અનોખી પરંપરા જોવા ઝાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.હોળી પર્વે વતનમાં વળતા લોકો, મેળામાં ઉમટતી ભીડ ઝાલોદ તાલુકાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના પાંચ દિવસ પહેલાં અગિયારસથી જ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેળાઓ શરૂ થાય છે.તેમાં “ચુલ નો મેળો” વિશેષ ઓળખ ધરાવે છે, જે હોળીના બીજા દિવસે એટલે ધુળેટીના દિવસે ઉજવાય છે.રણછોડરાય મંદિરના પટાંગણમાં અનોખી વિધિ રણિયાર ગામે યોજાતો આ મેળો રણછોડરાય મંદિર રણિયારના પટાંગણમાં યોજાય છે.અહીં બે પ્રકારની ચુલ ચાલે છે — ઠંડી ચુલ ગરમ ચુલ માટે ગામમાંથી ઘરેઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે. મેળાની શરૂઆતમાં અંદાજે ૫×૨૫ હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે.માનતા પૂર્ણ કરવા અંગારાઓ પર ચાલવાની પરંપરા શ્રદ્ધાળુઓ પહેલા નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે. ત્યારબાદ હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચુલ પર ચાલે છે. પછી એ જ ખાડામાં સુકા લાકડાં પ્રગટાવી ધગધગતા અંગારામાં ફેરવવામાં આવે છે. લીમડાની ડાળીઓ અને પાંદડાં વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. ચુલના પાંચ ફેરા ફર્યા પછી ભીના કપડાંમાં શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી અંગારાઓ પર ચાલે છે. લોકો સારો વરસાદ પડે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે.વર્ષો જૂની પરંપરા આજે પણ અખંડિત વિશ્વાસ અને આસ્થાના આ પ્રતિકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ કોઈ ઇજા ન થતી હોવાની માન્યતા છે. આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત્ રહી છે અને ઝાલોદ તાલુકાના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે.





