
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ ખાતે હોળીના પવિત્ર તહેવારની પૂર્વસંધ્યાએ પરંપરાગત ‘ભૂરકુંડિયા બજાર’ (હોળીનો હાટ) જામ્યો હતો.દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ આ હાટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાંથી આદિવાસી જનતા પોતાના પ્રિય તહેવારની પૂર્વતૈયારીઓ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. વઘઈ સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકોએ બજારમાં આવીને જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ હોળીના પર્વ માટે ખાસ પૂજા-સામગ્રી અને મીઠાઈઓની ખરીદી કરી હતી.સમગ્ર બજારમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળતો હતો, જેણે ડાંગના ડુંગરાળ પંથકને જીવંત બનાવી દીધો હતો.આ હાટ બજાર માત્ર ખરીદી માટે જ નહીં, પરંતુ ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રદર્શન માટે પણ જાણીતું છે. બજારમાં આદિવાસી સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત અને વિશેષ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. તેઓએ વાજિંત્રોના તાલે અને લોકગીતોના ગુંજારવ સાથે ‘ફાગ’ (હોળીની ભેટ) માંગતા નજરે પડ્યા હતા, જે દ્રશ્ય સ્થાનિક કલાકારોની ઓળખ બની ગયું હતું. આ પ્રાચીન પરંપરાને નિહાળવા માટે પણ લોકોના ટોળા એકઠા થયા હતા. બજારમાં વિવિધ વિસ્તારોના નાના-મોટા વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં ખાણી-પીણીથી લઈને રમકડાં અને શણગારની વસ્તુઓનો સમાવેશ થતો હતો. વેપારીઓ અને ગ્રાહકોના મેળાવડાથી વઘઈ શહેર માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું હતું.સલામતી અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા કોઈ અઘટિત ઘટના ન બને અને પ્રજાજનોની સુરક્ષા જળવાય રહે તે માટે વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનોએ વાહનવ્યવહારના નિયમન અને જનતાની જાન-માલની સલામતી માટે સતત પેટ્રોલિંગ કર્યું હતું. આમ, શિસ્તબદ્ધ માહોલ વચ્ચે ડાંગના લોકોએ પોતાની સંસ્કૃતિ અને તહેવારનો આનંદ માણ્યો હતો. આ ભૂરકુંડિયા બજાર એ સાબિત કરે છે કે બદલાતા સમય સાથે પણ ડાંગના આદિવાસીઓ પોતાની પરંપરા અને સાંસ્કૃતિક વારસાને આજે પણ તેટલા જ ગૌરવ સાથે જીવંત રાખી રહ્યા છે..





