AMRELIGUJARATRAJULA

ભાવનગર સોમનાથ હાઇવે પર બે સિંહ રોડ ક્રોસ કરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

સિંહની સુરક્ષા માટે ઉઠ્યા અનેક સવાલો

ભાવનગર સોમનાથ હાઇવે પર બે સિંહ રોડ ક્રોસ કરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા

સિંહ ની સલામતી માટે ઉઠ્યા અનેક પ્રશ્નો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે દસ દિવસ પહેલા એક દીપડાનું વાહન અડફેટે મોત થયું હતું.

દિવસના સમયે બનેલી આ ઘટનામાં, વ્યસ્ત હાઈવે પર અચાનક સિંહોને જોઈને વાહનચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

એક જ સ્થળે ટૂંકા ગાળામાં દીપડાના મોત અને સિંહોના રોડ ક્રોસિંગની ઘટનાઓ દર્શાવે છે કે આ વિસ્તારમાં વન્યજીવો માટે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. આ પરિસ્થિતિ સિંહો તેમજ વાહનચાલકો બંને માટે જોખમી બની શકે છે.
નેશનલ હાઈવે પર સિંહોની અવરજવર સૂચવે છે કે આસપાસના વિસ્તારોમાં તેમનું કુદરતી આવાસ સંકોચાઈ રહ્યું છે. જેના પરિણામે વન્યજીવો માનવ વસ્તી અને માર્ગો તરફ આવવા મજબૂર બન્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં સિંહો અને અન્ય વન્યજીવોના રોડ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં નેશનલ હાઈવે પર સ્પીડ કંટ્રોલ, વાઇલ્ડલાઇફ વોર્નિંગ બોર્ડ, અન્ડરપાસ કે અન્ય સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળે છે.
દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો, પર્યાવરણપ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા વર્ગોમાંથી માંગ ઉઠી રહી છે. જો સમયસર યોગ્ય આયોજન અને વ્યવસ્થાઓ નહીં થાય તો સિંહોના અકસ્માતનો ખતરો વધુ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકામાં અત્યાર સુધીમાં એક દીપડો અને બે સિંહ સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓના વાહન અડફેટે મોત થયા છે. દીપડાને અકસ્માત કરી ભાગી જનાર વાહનચાલક હજુ પકડાયો નથી, જોકે વનવિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાહનચાલકની નંબર પ્લેટ મળી આવતા તેની ઓળખ થઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!