બનાસકાંઠા ખનીજ વિભાગની સફળ કામગીરી
4 જુન
બનાસકાંઠામાં છેલ્લા બે મહિનામાં રૂ.૨૪.૩૪ કરોડની આવક,ગત વર્ષની તુલનામાં રૂ.૮ કરોડથી વધુ છેલ્લા એક મહિનામાં ૧૧૯ ખનીજ ચોરીના કેસ થકી રૂ. ૨.૨૧ કરોડ દંડ વસૂલાયો બનાસકાંઠા જિલ્લાના ખનીજ વિભાગે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ.૧૦૫.૨૬ કરોડની મહેસૂલી આવક મેળવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ સકારાત્મક વલણ ચાલુ વર્ષે પણ યથાવત્ રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ના માત્ર બે માસ એપ્રિલ અને મે દરમ્યાન વિભાગે રૂ. ૨૪.૩૪ કરોડની આવક નોંધાવી છે જે ગયા વર્ષની તુલનામાં રૂ.૮ કરોડથી વધુ છે.બનાસકાંઠા જિલ્લામાં કુલ ૪૨૭ ખનીજ ક્વોરીઓ લીઝ કાર્યરત છે અને માર્બલ, બિલ્ડીંગ સ્ટોન, રેતી, ગ્રેનાઈટ જેવા વિવિધ ખનીજનો ભંડાર ધરાવે છે. આ વિભાગ દ્વારા મે મહિનામાં ખનીજ ચોરી સામે કરેલી કાર્યવાહીમાં કુલ ૧૧૯ કેસ નોંધાતા રૂ.૨.૨૧ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીશ્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને તેમની ટીમના સતત પ્રયાસો અને નિષ્ઠાપૂર્વક કામગીરીના પરિણામે બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓમાં સામેલ થયું છે. તેમણે જણાવ્યું કે “ખનીજ ચોરી અટકાવવા માટે ટીમ દ્વારા ખાનગી રાહે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક દેખરેખ ચાલુ રહેશે તથા આવી કાર્યવાહી આગળ પણ આ રીતના કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.