ગુજરાતનાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 10.5 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડેડીયાપાડમાં 8 ઈંચ, કપરાડા અને સાગબારામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 6.75 ઈંચ અને ધરમપુરમાં વરસ્યો 6.5 ઈંચ તો રાજકોટ તાલુકા અને નાંદોદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 5.75 ઈંચ તો વાંસદામાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
વલસાડના ધમડાચી વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે. ધમડાચી ગામના 40થી 50 ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ચોટીલામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. વાંકાનેરમાં પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી હતી. મચ્છુ-1 અને મચ્છુ -2 ડેમમાં નવા નીરની આવક થઈ હતી તો મોરબી, ટંકારા, માળિયા, હળવદ અને વાંકાનેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
				


