*સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત* અંતર્ગત નવસારી જિલ્લા ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા.૦૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવા્નને ઝીલી ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમગ્ર રાજ્યએ કટીબદ્ધતા દાખવી છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવામાં યોગ મહત્વનો ભાગ ભજવે છે. યોગના મહત્વને દરેક નાગરિક પોતાના જીવનમાં અપનાવે તે ઉદ્દેશ્યથી રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગ જાગૃતતા અંગેના વિવિધ કાર્યક્રમો ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગા દિનના કાઉન્ટ ડાઉન રૂપે યોજાઈ રહ્યા છે.
જે અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ નવસારી જિલ્લા ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનારનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજી સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશને મેદાસ્વીતાથી મુક્ત કરવા યોગ અને પ્રાણાયામ આપનાવવા વડાપ્રધાનશ્રીએ આહવા્ન કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ૦૫ લાખથી વધુ યોગા ટ્રેનરો છે જે ઘરે ઘરે યોગને પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તેમણે ‘યોગ ભગાવે રોગ’ એમ મંત્ર આપી ભોજન, જીવનશૈલી અને રોગના સંબંધ અંગે જાણકારી આપી હતી. તેમણે યોગ થકી શારીરિક, માનસિક રોગથી મુક્ત થી શકાય છે એમ ઉમેર્યું હતું. તેમણે નવસારી જિલ્લામાં તમામ નાગરિકોને પોતાના સ્વસ્થ રોગમુક્ત જીવન માટે યોગ અપનાવવા અનુરોધ કર્યો હતો.
શ્રી શીશપાલજીએ વધુમાં સાદી સરળ જીવન શૈલી, સાદું ભોજન, રસાયણ મુક્ત આહાર આપનાવવાના ફાયદાઓ જણાવ્યા હતા. તેમણે મેદાસ્વીતા થવાના કારણો અંગે વિગતવાર જાણકારી આપી મેદાસ્વીતા નિવારણ અંગેના પ્રેક્ટિકલ ઉપાયો જણાવ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યોગ જેવી ઋષિ પરંપરાને આપણા દેશમાં જ નહિ વિશ્વ ફલક ઉપર ઉજાગર કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે. ધારાસભ્યશ્રીએ નવસારી જિલ્લાના તમામ નાગરિકોને પોતાની જીવનશૈલીમાં યોગ અને ધ્યાનને અપનાવવા આહવા્ન કર્યું હતું.
આ પ્રસંગે યોગનું મહત્વ સમજાવતી શોર્ટ ફિલ્મ સૌએ નિહાળી હતી.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર, નવસારી મામલતદારશ્રી વસાવા, ન.પા.ભૂતપૂર્વ પ્રમુખશ્રી મીનલબેન, યોગ કોઓર્ડીનેટર પ્રીતિબેન સહિત વિવિધ મહાનુભાવો, યોગ ટ્રેનરો, યોગ કોચ સહિત જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




