હાલોલ:વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના વરદ્હસ્તે હાલોલના માંડવી ખાતે આવેલ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧૦.૨૦૨૪
વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના વરદ્ હસ્તે માંડવી,પાવાગઢ ખાતે આવેલ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ વનમંત્રી મુળુભાઇ બેરાએ જિલ્લાના વનવિભાગને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું હતું કે આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટેનો તમામ પ્રયાસ અહીંયા કરવામાં આવે, સાથે જ વન્યજીવો અને વૃક્ષોનો ઉછેર થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે, સાથે જ પાવાગઢએ વડોદરા અને ગોધરા જેવા શહેરોથી નજીક હોવાથી પ્રવાસીઓ સરળતાથી અહીંયા પહોંચી શકશે,તો નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જ માર્ગે જઈ શકાતું હોવાથી બંને પ્રવાસન સ્થળોને વેગ મળશે તેમ વધુમાં ઉમેર્યું હતું.આ પ્રસંગે મંત્રીને પાવાગઢની તળેટીમાં આવેલ માંડવી ગામમાં શરૂ કરવામાં આવેલ આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર પ્રકૃતિનું શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે ઉપયોગી થઈ રહેશે તેમ જણાવી તેની વિશેષતાઓ થી મંત્રીએ માહિતગાર કરવામા આવ્યા હતા.જેમાં માંડવી પાવાગઢ ઇકો ટુરિઝમ સાઇટ એ ત્રણ ટ્રાઈબલ જિલ્લા છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાને ખાસ લાભાન્વિત કરી શકાય એવી પ્રવાસનની દૃષ્ટિએ વ્યૂહાત્મક કહી શકાય તેવી જગ્યા એ સ્થિત છે તેમ જણાવવામાં આવ્યું હતું.આ ઇકો ટુરિઝમ સાઈટની ખૂબ જ નજીકમા પ્રવાસનના બે આકર્ષણો “વિરાસત વન” અને “વન કવચ”- જેપુરા આવેલ છે. આની આજુ બાજુ ધાર્મિક પ્રવાસન સ્થળો જેવાં કે પાવાગઢ, ઝંડ હનુમાન અને પર્યાવરણ પરિસરિય પ્રવાસન સ્થળ જાંબુઘોડા અને રતન મહલના ડુંગરો આવેલા છે.પંચમહાલ જિલ્લામાં સંકલિત પ્રાકૃતિક શિક્ષણ સંકુલ બનાવવાની વિશેષતા એ છે કે તે બે મોટા શહેરો વડોદરા અને ગોધરાથી નજીક છે.તેમજ કેવડીયાના વિકસિત પ્રવાસન રૂટ પરનું ભવિષ્યનું મહત્વનું સ્થળ બનવાની ક્ષમતા ધરાવે છે. હાલના તબક્કે ફેઝ-૧ રૂપે આ સ્થળે ટેન્ટ હાઉસમાં ૫૦ બાળકોના રહેવાની સગવડ, યોગસ્થળ, જમવા બનાવવા માટેનું રસોડુ, જીવંત આરતી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.જ્યારે ફેઝ-૨ માં ઇકો ટુરિઝમની કામગીરી, ફુડ કોર્ટ, સોવિનિયર શોપ, ઓડિયો વિઝ્યુલ ગેલેરીના બાંધકામ કામગીરી પૂર્ણતાના આરે છે. પતંગિયા ગાર્ડન, મેઝગાર્ડન માટે એકદમ ઓછી માત્રામાં સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સિમેન્ટના વપરાશ કરતાં ચુના, બિલીનો અર્ક,ગોળનું પાણી વગેરેનો ઉપયોગ કરી ચણતર કરવામાં આવ્યું છે જે ઇકો ફ્રેન્ડલી પ્રકારનું હોઇ પર્યાવરણની દ્રષ્ટિએ પણ યોગ્ય છે. હેરિટેજ સાઇટમાં થયેલ ચણતર અને સાત કમાન જેવા સ્ટ્રક્ચરમાંથી પ્રેરણા લઈ તૈયાર કરવામાં આવેલી તેની આબેહૂબ પ્રતિકૃતિ પણ અત્રે જોવા મળશે. મધ્ય ગુજરાતના જંગલોમાં જોવા મળતા વન્ય પ્રાણીઓની આબેહૂબ પ્રતિકૃતિ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. ફેઝ-૨ માં વધારા બર્ડિંગ ટ્રેલ, વાઇલ્ડ લાઈફ ઝોન અને એડવેન્ચર ઝોનના નિર્માણનું આયોજન છે. વર્તમાન સમયમાં કેમ્પ સાઇટમા બેસતા જ માતાજીના મંદિરના દર્શન કરી શકાય તે મુજબનું અને ભવિષ્યમાં પાવાગઢ મંદિરની આરતીનું જીવંત પ્રસારણનો લ્હાવો આ સ્થળેથી જ લઈ શકાય છે જેમાં સુખડી અને માતાજીની ચુંદડી અહીંથી જ મેળવી શકાશે તેવું આયોજન કરવામાં આવનાર છે.પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રના લોકાર્પણ પૂર્વે મંત્રી અને મહાનુભાવોએ વનકવચ જેપુરા,પાવાગઢની મુલાકાત લીધી હતી.અહિયાં મધ્ય ગુજરાતના જંગલોમાં જોવા મળતી પ્રજાતિઓનું વાવેતર, નવી જડીબુટ્ટીઓ, વૃક્ષો ક્ષુપો, વેલાઓ વગેરેની પ્રજાતિઓ વિશે તેમજ પતંગિયા, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વિશે તેમજ એક વર્ષમાં આવેલા પર્યટકોની સંખ્યા અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા બાબતના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ રાજપાલ સિંહ જાદવ, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા, ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ યુ.ડી.સિંઘ,ગુજરાત રાજ્યના વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, ગુજરાત રાજ્યના વન્યજીવ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અગ્ર મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ, વડોદરા વન વર્તુળના વન સંરક્ષક અંશુમાન શર્મા, જિલ્લા કલેકટર આશિષકુમાર, ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીના, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.


















