Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા માર્ગ સલામતી સમિતિ’ ની બેઠક યોજાઈ

તા.૧૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
હાઇવે – સર્વિસ રોડને સમથળ બનાવવા પેચવર્ક અને રિસરફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરતા કલેકટર શ્રી ઓમ પ્રકાશ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી, જેના અધ્યક્ષ અને કલેક્ટરશ્રીએ વરસાદ બાદ પ્રવર્તમાન સ્થિતિમાં ધોરી માર્ગો અને સર્વિસ રોડ પર પડેલા ખાડાઓની મરામત વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ એજન્સીઓને ખાસ તાકીદ કરી હતી.
કલેકટરશ્રીએ ખાસ કરીને રાજકોટ-જેતપુર, રાજકોટ-ભાવનગર તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે, સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને સમથળ બનાવી ચોમાસામાં વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે પ્રકારે કામગીરી કરવા ખાસ સુચના આપી હતી. સાથો સાથ હાઈવે ઉપર બાકી રહી ગયેલી પ્રિમોન્સુન કામગીરી પણ પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
બેઠકમાં નેશનલ હાઇવે, આર.એન્ડ. બી. પંચાયત તેમજ સ્ટેટ, રૂડા સહીત વિવિધ એજન્સી દ્વારા રસ્તા કામગીરીની સમીક્ષામાં હાલમાં સાત હનુમાન પાસે રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તા પરનો ફ્લાયઓવર ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું તેમજ રાજકોટ ભાવનગર હાઇવે પર રોડ મરમ્મતની કામગીરી અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
રોડ સેફટી કમિટીના મેમ્બરોએ ધોરાજી-ઉપલેટા હાઇવે પર સુપેડી ગામ પાસે થયેલ ગંભીર અકસ્માતની સ્થળ મુલાકાત લઈ અકસ્માતના કારણો અંગે સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લાના બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારણ અર્થે એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરને સાથે રાખી સુધારા સૂચન આપવા પણ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આર.ટી.ઓ. તેમજ પોલીસ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર, એસ.ટી. ડેપોમાં ડ્રાયવર તેમજ શાળા કોલેજ ખાતે યોજાયેલ રોડ સેફ્ટી સેમિનારની માહિતી પૂરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, આર.ટી.ઓ. શ્રી કેતન ખપેડ, રોડ સેફ્ટી કાઉન્સિલના શ્રી જે.વી. શાહ. રૂરલ એસ.પી. શ્રી એસ.એસ. રાઘવેન્દુ, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય સહિત શિક્ષણ, આર. એન્ડ. બી, ૧૦૮, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





