ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : બેડજ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા જતા વીજ કરંટથી યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બેડજ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા જતા વીજ કરંટથી યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેડજ ગામની સીમમાં વીજ કરંટ લાગવાની કરૂણ ઘટના સામે આવી છે. પશુઓ માટે ઝાડ પરથી પાલો પાડવા ગયેલા બે યુવાનોને અચાનક વીજ કરંટ લાગતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર શબ-એ-બારાતની રાત્રિ પહેલાં બનેલી આ દુઃખદ ઘટના ગરીબ મુસ્લિમ પરિવાર માટે આઘાતજનક સાબિત થઈ છે. શબ-એ-બારાતને ઈબાદત અને નસીબ બદલવાની રાત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તહેવારની આગલી જ રાત્રીએ પરિવારે પોતાના આશાસ્પદ યુવાન પુત્રને ગુમાવ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ નજીક આવેલા બેડજ ગામના રહેવાસી ઉંમરભાઈ મીર ઉર્ફે ભાવેશ મીર અને તેમના કાકા ઈબ્રાહીમ બાબુ મીર પશુધન માટે પાલો લેવા ગામની સીમમાં ગયા હતા. પાલો પાડવા માટે ઉપયોગમાં લેવાતું લોખંડનું ધારિયું ઝાડ પાસે પસાર થતી વીજ લાઇનને અડતાં ઉંમર મીરને અચાનક ભારે વીજ કરંટ લાગ્યો હતો. કરંટની ઝપટમાં આવતા યુવક સ્થળ પર જ ઢળી પડ્યો અને તાત્કાલિક મોત નીપજ્યું હતું.યુવાનને બચાવવાના પ્રયાસમાં કાકા ઈબ્રાહીમ બાબુ મીરને પણ વીજ કરંટ લાગતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.વીજ કરંટથી યુવાનના મોતની જાણ થતાં પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. ગરીબ પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસ અને વીજતંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો તથા સ્થાનિક લોકોએ મૃતકના ગરીબ પરિવારને સરકાર તરફથી તાત્કાલિક રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!