GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિશ્વ સ્તનપાન સપ્તાહ : ૦૧ ઓગસ્ટથી ૦૭ ઓગસ્ટ: માતાનું ધાવણ છે સર્વોત્તમ ઉપચાર, શિશુ માટે છે અમૂલ્ય વરદાન

તા.૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

નવજાત શિશુના સ્વસ્થ જીવન માટે અમૃત સમાન છે માતાનું ધાવણ

જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ અને છ માસ સુધી ફક્ત માતાનું દૂધ આવશ્ય

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ.. એથી મીઠી તે મોરી માત રે..

જનનીની જોડ સખી.. નહીં જડે રે લોલ.

કવિ બોટાદકર રચિત ઉપરોક્ત પંક્તિ ‘માતા’ની મહાનતા દર્શાવે છે. બાળકને મન ‘મા’ સર્વસ્વ હોય છે. બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે.

વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે તા. ૦૧ ઓગસ્ટથી તા. ૦૭ ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જેનો શુભ આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન અને છ માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆત કરવા અંગે જાગૃતિ કેળવવાનો છે. જેથી, બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકની જીંદગી બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ આપી શકાય.

સ્તનપાનનું મહત્વ

બાળકના જન્મ પછી તરત જ માતાનું ઘટ્ટ પીળું દૂધ તેને આપવું જોઈએ. બાળકોને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાના દૂધ પર જ આધારિત રાખવું જોઈએ. આ દૂધ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ધાવણ એ પોષણના અન્ય સ્ત્રોત કરતાં શ્રેષ્ઠ છે. સ્તનપાન જઠરાગ્નિ સમસ્યાઓ સામે રક્ષણ આપે છે, તે પાચન કરવામાં સહેલું છે અને તેનાથી કબજિયાત નથી થતી. તે બાળકની રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે.

સ્તનપાન માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણ મજબૂત બનાવે છે. માતાનું દૂધ બાળકના મગજના વિકાસ માટે જરૂરી ફેટી એસિડ્સ ધરાવે છે. આથી, પ્રથમ છ મહિના માટે સંપૂર્ણપણે અને ત્યારબાદ ૦૨ વર્ષ કે વધુ સમય માટે સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. સ્તનપાન દમના રોગ અને કાનના ચેપ સામે રક્ષણ આપે છે, કારણ કે, તે બાળકના નાક અને ગળાના પટલમાં એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. સ્તનપાન બાળપણમાં લ્યુકેમિયાના રોગ સામે રક્ષણ આપે છે.

ધાત્રી માતાએ લેવાની કાળજી

સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી, માતાના દૂધનું પોષણમૂલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. સ્તનપાનના કારણે ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે, ત્યારથી માતાના ભોજનની ખૂબ કાળજી લેવી જોઈએ અને તેટલી જ કાળજી માતાએ પ્રસુતિ બાદ છ મહિના સુધી પણ અચૂક લેવી જોઈએ. તેનું કારણ છે કે, શિશુ જન્મ પછી શરુઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. બાળકના ભોજન અને પોષણ સંબંધિત આવશ્યકતાઓ, ત્યાં સુધી કે તેની પાણીની જરૂરિયાત પણ ફક્ત અને ફક્ત માતાનું દૂધ જ પૂરી પાડી શકે છે. આ સમયે માતાનું દૂધ પૂરતી માત્રામાં પોષક તત્વો ધરાવે અને પૂરતી માત્રામાં આપવામાં આવે, તે જરુરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર બાળ મૃત્યુદર ઘટાડવા દવાખાનામાં બાળકનો જન્મ થવો, બાળક એક વર્ષનું થાય ત્યાર પહેલા સંપૂર્ણ રસીકરણ, બાળકના જન્મ બાદ તુરંત માતાનું ધાવણ આપવા તથા છ માસ સુધી માત્ર માતાનું જ ધાવણ આપવા વિશે જાગૃતિ ફેલાવવા પ્રયાસશીલ છે. તેમજ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને અન્ય માતા પોતાનું દૂધ આપી શકે, તે હેતુસર રાજ્ય સરકારે ‘હ્યુમન મિલ્ક બેંક’ની વ્યવસ્થા કરી છે.

Back to top button
error: Content is protected !!