
જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો.
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતાના પડતર પ્રશ્નોના ત્વરિત અને ન્યાયિક નિરાકરણ લાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટરે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળીને સંબંધિત વિભાગોને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લાભરમાંથી આવેલા અરજદારો દ્વારા કુલ ૧૬ જેટલા વિવિધ પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા આ પ્રશ્નોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કર્યા બાદ, કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે સ્થળ પર જ ૦૮ જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી અરજદારોને સંતોષકારક ન્યાય અપાવ્યો હતો.
વધુમાં, કાર્યક્રમમાં રજૂ થયેલા અન્ય ૦૬ પ્રશ્નો હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે જે-તે વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરવા અને નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી સત્વરે અહેવાલ રજૂ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




