Rajkot: રાજકોટ ખાતે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે AAP વિદ્યાર્થી પાંખ ASAPનું લોન્ચિંગ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી

તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાતના વિદ્યાર્થીઓને ASAP સાથે જોડાઈ રાજકારણમાં બદલાવ લાવવા ઈસુદાન ગઢવીનું આહ્વાન
યુવાનોને ક્રાંતિનો ભાગ બનવા AAP વિદ્યાર્થી પાંખ ASAPમાં જોડાવા આમંત્રણ: ઈસુદાન ગઢવી
AAP નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો AAPમાં જોડાયા
ASAP ગુજરાતમાં તમામ કોલેજમાં, યુનિવર્સિટીઓમાં, હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે: ઈસુદાન ગઢવી
ભાજપ-કોંગ્રેસવાળા પોતાના સગા સંબંધીઓને ટિકિટ આપશે, અમે ગુજરાતના યુવાનોને મોટી તક આપીશું: ઈસુદાન ગઢવી
AAPએ નક્કી કર્યું છે કે ASAP દ્વારા અમે એક લાખ યુવાનોને ગુજરાતમાં જોડીશું : ઈસુદાન ગઢવી
ASAP દ્વારા જોડાયેલા યુવાનો આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ પણ લડશે : ઈસુદાન ગઢવી
રાજનીતિ ગંદી વસ્તુ છે એમ કહીને આપણને રાજનીતિમાં એન્ટ્રી નથી આપવામાં આવી: ઈસુદાન ગઢવી
અમે યુવાઓને કહીએ છીએ કે, રાજનીતિમાં આવો, રાજનીતિ શીખો અને રાજનીતિમાં જે ગંદકી છે એને સાફ કરો અને ગુજરાતની અને દેશની પ્રગતિમાં સહભાગી થાઓ: ઈસુદાન ગઢવી
મારા એકલાથી કશું જ નહીં થાય, ઘરે ઘરે ઈસુદાન ગઢવી તૈયાર થવા જોઈએ: ઈસુદાન ગઢવી
Rajkot: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આજે રાજકોટ ખાતે CYSSને નવા નામ ASAP તરીકે લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, શિક્ષણ શેલ પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, તેજસભાઇ ગાજીપરા, રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, વિધાર્થી નેતા ધાર્મિક માથુકિયા, સુરજ બગડા, કેયુર દેસાઇ, પ્રણવ ગઢવી, સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં ABVP, ભાજપ અને કોંગ્રેસમાંથી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે તમામનું ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ABVPમાંથી તક્ષ પટેલ, વાસુ કોરાટ, નીર વિરાણી,માનવ ડોબરિયા, અભિષેક ટાંક, નિલેશ સોહેલિયા, શાહિદ અન્સારી, સુલતાન ભાઈ જાફરાની ASAP માં જોડાયા હતા. કોંગ્રેસમાંથી જીલ્લા પ્રવક્તા વિક્રમભાઇ ઠાકર જ્યારે ભાજપમાંથી રાજકોટ પ્રમુખ દિવ્યાબેન દવે, જયરામ જોગરાના, તેજસ મિસ્ત્રી, પ્રિયંક આડરેસના, વિશાલ માંડલિયા, કેતન ભાઈ, શીતલ મિસ્ત્રી, મહેશ સંભાળ, મનીષબા આડરેસના, દિપાલી મહેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતુું કે, આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને મારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. રાજકોટની આખી ટીમ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં તેમાં જોડાયા હતા. મને પૂરો વિશ્વાસ છે કે ASAP ગુજરાતમાં તમામ કોલેજમાં, યુનિવર્સિટીઓમાં, હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વાળા પોતાના સગા સંબંધીઓને ટિકિટ આપીને એમને આગળ વધારીને રાજનીતિ કરતા હતા જ્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ASAP દ્વારા અમે એક લાખ યુવાનોને ગુજરાતમાં જોડીશું. આ યુવાનો આગામી સમયમાં તાલુકા પંચાયત. જિલ્લા પંચાયત, પાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ પણ લડશે. આ સાથે જ તે પોતાના વિસ્તારનો અવાજ બનશે અને લોકોને જાગૃત કરશે અને આ સાથે જ પોતાના કોલેજમાં, યુનિવર્સિટીમાં, વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય વિરુદ્ધ અવાજ પણ ઉઠાવશે.
ઇસુદાન ગઢવી દેશના રાજકારણીઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, વર્ષોથી બની બેઠેલા આપણા નેતાઓએ નક્કી કર્યું છે કે દેશને ગુલામ રાખવો છે. જનતાને ક્યારેય જાગૃત થવા દેવી નથી. નેતા- સાંસદો એવો માહોલ બનાવી દે છે કે તેમના દીકરાઓને ટિકિટો મળે છે જ્યારે બીજાના દીકરાઓ સાફ-સફાઈમાંથી જ ઊંચા નથી આવતા. મારા એક ફોનથી લોકોના કામ થઈ જાય છે એવું લોકો કહે છે પરંતુ હું આજે છું કાલે ન પણ હોવ ત્યારે તમારા હકની લડાઈ તમારે જાતે જ લડવી પડશે. આપણા દેશ પર ફિરંગીઓ, મુઘલોએ, બ્રિટિશરોએ રાજ કર્યું, વર્ષોથી આપણે ગુલામ જ રહ્યા છીએ. કારણ કે આપણા દેશના નાગરિકોની કમનસીબી એ છે કે તેમણે પોતાના કામ સિવાય ક્યારેય આજુબાજુ જોયું જ નથી. આપણે વર્ષોથી એટલા માટે જ ગુલામ રહ્યા છીએ કારણ કે, આપણને રાજનીતિમાં એન્ટ્રી નથી આપવામાં આવી અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ તો ગંદી વસ્તુ છે. એટલા માટે જ આ લફંગાઓ રાજ કરી રહ્યા છે અને એટલા માટે જ મારે આ રાજનીતિમાં આવવું પડ્યું છે. આપણા દેશમાં લોકોને કંઈ જ જાણકારી નથી કે ચૂંટણી કઈ રીતે થાય. તાલુકા પંચાયતની રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે લડાય છે. નેતાઓના આગેવાનો, મળતીયાઓ, સગા સંબંધીઓ ને જ બધી ખબર હોય છે અને એ જ લોકો બધી મલાઈ ખાઈ જાય છે. આ જ લોકો જમીનો મફતમાં લઈ લે છે, ગ્રાન્ટ ખાઈ જાય છે, સરકારના જેટલા પણ લાભ મળતા હોય તે લઈ લે છે.
અમારી આમ આદમી પાર્ટી અને કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે અમારે ગુજરાતમાં એક લાખ એવા યુવાનો તૈયાર કરવા છે જેને અત્યારથી અત્યાર સુધીની તમામ બાબતોની જાણકારી હોય જેમને દેશ માટે ધગશ હોય, દેશપ્રેમ હોય. ફક્ત નારા લગાવવાથી દેશપ્રેમી નથી બની જવાતું. કોઈ વ્યક્તિ કલેક્ટર પદે ઉભો રહીને વંચિતોની, ગરીબોની, મહિલાઓની સેવા કરે એને પણ દેશ પ્રેમ કહેવાય છે. યુપી બિહારમાં 40 થી 50% લોકો રાજનીતિ શું કહેવાય એનાથી વાકેફ છે જ્યારે આપણને કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલા વોર્ડ આવે તેની પણ જાણકારી નથી. તેથી જ અમે યુવાઓને કહીએ છીએ કે, રાજનીતિમાં આવો, રાજનીતિ શીખો અને રાજનીતિમાં જે ગંદકી છે એને સાફ કરો ત્યારે આવનારી પેઢી વિદેશમાં જવાનું નામ નહીં લે. હું એમ વિચારું કે આપણે 1,00,000 યુવાઓને તક આપીને તાલુકા લેવલ પર ચૂંટણીમાં લડાવવા છે, રાજનીતિ શરૂ કરીએ પરંતુ એ યુવાન જાગૃત ન હોય તો શું કરી શકાય. સરકારી નોકરીઓમાં કંઈ જ રાખ્યું નથી પરંતુ સરકારી વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે એ આપણે જાણવાનું છે. આજે મને વિવિધ વિભાગોની દરેક જાણકારી છે પરંતુ મારા એકલાથી કશું જ નહીં થાય. ઘરે ઘરે ઈસુદાન ગઢવી તૈયાર થવા જોઈએ.








