
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામના વાડ ગામે આવેલ ભવાની માતાજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ખેરગામ જિલ્લા પંચાયત સીટ માટે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભામાં ગામના ભાઇઓ-બહેનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાત, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં દાયકાઓ પહેલા કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ રાજકીય સમીકરણ બદલાતા સત્તા પરિવર્તન થયું છે. હવે આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉભી કરવા પ્રયાસરત છે.આ પ્રસંગે નવસારી લોકસભા પ્રભારી પંકજભાઈ તાઈડૈએ સરકારનું નામ લીધા વિના તીખી ટીકા કરતાં જણાવ્યું:”આધાર કાર્ડ હોય કે પાનકાર્ડ – પૈસા વિના કામ થતું નથી. કોઈપણ સરકારી કામ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને લોકો પાસે એટલો સમય પણ નથી. હવે પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન માટે તમારા ઘરમાંથી લીડર ઉભો થવો જોઈએ.”આ બેઠકમાં નવસારી લોકસભા પ્રભારી પંકજભાઈ તાઈડૈ, નવસારી જિલ્લા પ્રમુખ પંકજભાઈ પટેલ, નવસારી જિલ્લા મહામંત્રી પંકજ સી. પટેલ, ગણદેવી વિધાનસભા પ્રભારી જિગ્નેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


