બોડેલીમાં બેફામ ગતિએ દોડતા વાહનો મુદ્દે આમ આદમી પાર્ટીની પોલીસને રજૂઆત

આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બોડેલી શહેરમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા હોવાના કારણે નાના બાળકો, વૃદ્ધો તેમજ સામાન્ય નાગરિકોના જીવને જોખમ ઉભું થયું છે. રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ માટે સુરક્ષિત રીતે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે.
આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે શહેરની હદમાં બેફામ ગતિએ વાહન ચલાવતા લોકો તેમજ સગીર વયના ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહનચાલકો સામે કોઇપણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગતિ મર્યાદાનું પાલન કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં અકસ્માતોની શક્યતા ટાળી શકાય.
પાર્ટીએ બોડેલી પોલીસ પ્રશાસન પાસે નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી



