અમદાવાદમાં આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા ચૂંટણી તૈયારી બેઠક યોજાઈ, ગોપાલ રાયે ઉમેદવારોને આપ્યું માર્ગદર્શન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે મહાનગરપાલિકા ચૂંટણી તૈયારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની આગેવાની હેઠળ ચૂંટણીની વ્યૂહરચનાઓ, સંગઠન મજબૂતી અને પ્રચાર અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ગોપાલ રાય સાથે મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા, એસ.સી. સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, શહેર પ્રમુખ વિજય પટેલ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તેમજ વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રીક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
ગોપાલ રાયે બેઠક દરમિયાન ઉમેદવારો અને પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટી છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં મજબૂત સંગઠન ઉભું કરવા માટે સતત કાર્યરત છે અને હવે આવનારી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે તમામ કાર્યકર્તાઓને એકજૂટ રહીને મેદાનમાં ઉતરવા અને જનતાની વચ્ચે જઈ તેમના મુદ્દાઓ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં વર્ષોથી ચાલી રહેલા ભાજપના શાસન સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી આ અસંતોષને લોકહિતના એજન્ડા સાથે ચૂંટણીમાં રૂપાંતરિત કરશે. શહેરના વિકાસ, મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને પારદર્શક શાસન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરવામાં આવશે.
બેઠક દરમિયાન વિવિધ વોર્ડ સ્તરે સંગઠન મજબૂત બનાવવાની, ઘેરઘેર સંપર્ક અભિયાન શરૂ કરવાની અને યુવાનો તથા મહિલાઓને વધુ પ્રમાણમાં જોડવાની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોને પ્રભાવશાળી પ્રચાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પાર્ટી સૂત્રો મુજબ, આવનારા દિવસોમાં રાજ્યભરમાં આવી બેઠકોનું આયોજન કરવામાં આવશે જેથી દરેક વિસ્તારમાં ચૂંટણીલક્ષી તૈયારી વધુ મજબૂત બને. આ બેઠકએ કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો અને ચૂંટણીમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી હતી.
આમ આદમી પાર્ટી હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મજબૂત દાવેદારી સાથે મેદાને ઉતરવા તૈયાર હોવાનું આ બેઠકથી સ્પષ્ટ થયું છે.







