પંચમહાલમાં વધતી ચોરીઓ પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ‘આપ’નો વિરોધ
ગોધરામાં રાત્રિના તાળા તૂટવાના વધતા બનાવો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
આમ આદમી પાર્ટી પંચમહાલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુરેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને જિલ્લામાં વધી રહેલી ચોરીઓની ઘટનાઓ પર ગહન ચિંતા વ્યક્ત કરી હતી. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને મુખ્ય મથક ગોધરા શહેરમાં ચોરીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી શાંતિકુંજ સોસાયટી, પંચવટી સોસાયટી 1 અને 2, પાર્વતી નગર, સોમનાથ નગર, વિનાયક નગર, શક્તિ નગર અને મીનાક્ષી સોસાયટી જેવી રહેણાંક સોસાયટીઓમાં મકાનના તાળા તોડવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. આ ચોરીઓની ઘટનાઓ મોડી રાત્રે 4:00 થી 4:43 વાગ્યાની આસપાસ જ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે જેમાં સ્થાનિક સોસાયટીઓના સી.સી.ટી.વી. ફૂટેજમાં ચોરીઓને અંજામ આપનારા શખ્સો બાઈક પર ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે જે સ્થળોએ રાત્રિના સમયે પોલીસની ટુકડીઓ તૈનાત હોય છે ત્યાં તેઓ નિદ્રાધીન અવસ્થામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેથી, પાર્ટીએ માંગણી કરી છે કે રાત્રિના સમયે ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ ટુકડીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ચોરીઓની ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ પોઈન્ટ્સ પર યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે.






