
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ઉનાળામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા અબડાસા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં: બરફના કારખાનાઓનું સઘન ચેકિંગ
૦૦૦
જખો અને લાલા ગામના બરફના પ્લાન્ટ્સની તપાસ: પીવાના પાણીના ૧૦ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
અબડાસા, તા. 6:
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ બજારમાં બરફનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઘણીવાર દૂષિત પાણીમાંથી બનેલા બરફના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ રહેતી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા અને જનઆરોગ્યની જાળવણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મિથિલેશ સિંહાની સૂચના અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જખો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જખો અને લાલા ગામે કાર્યરત બરફના કારખાનાઓમાં મેડિકલ ઓફિસર ડૉ. દિનેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી. હેલ્થ સુપરવાઇઝર પિયુષભાઈ અમીન અને આરોગ્ય કાર્યકર જયદીપ ઠાકોર દ્વારા પ્લાન્ટમાં વપરાતા પાણીની શુદ્ધતા અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી જેથી અશુદ્ધ બરફને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય.
રોગચાળાને પૂર્વનિર્ધારિત રીતે રોકવા માટે જખો સહિત આસપાસના અલગ-અલગ ૧૦ સ્થળોએથી પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ્સને ભુજની અદાણી મેડિકલ કોલેજ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ બાદ પાણીની ગુણવત્તા સ્પષ્ટ થશે. આ ઉપરાંત આરોગ્ય કાર્યકરો દ્વારા ‘ટેકો’ એપ્લિકેશન મારફતે ઓનલાઈન વસ્તીનું સર્વેલન્સ પણ તેજ કરવામાં આવ્યું છે જેનું પણ સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઉનાળા દરમિયાન પીવાના પાણીની શુદ્ધતા બાબતે વિશેષ કાળજી રાખવી અને આરોગ્યની તપાસ કે સર્વેલન્સ માટે આવતા કર્મચારીઓને પૂરો સહકાર આપવો. કોઈપણ શંકાસ્પદ પાણીજન્ય લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




