નવસારી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખડસુપા ખાતે યોજાયેલા કેન્સર નિદાન કેમ્પનું ૨૭૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આધુનિક જીવનશૈલી અને આહારને લીધે હાલ બિન ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં કેન્સરના વધતા જતા- દર્દીઓ આરોગ્ય માટે ચિંતાનો વિષય છે. કેન્સર એક જીવલેણ રોગ છે. જો તેનું સમયસર નિદાન થઇ જાય, યોગ્ય સારવાર મળી રહે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. આવા હેતુથી આજે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી અને ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનાં સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખડસુપા (તા.જી.નવસારી) ખાતે કેન્સર નિદાન કેમ્પ (સંજીવની રથ કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાની માર્ગદર્શક ઉપસ્થિતિથી કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવી કુલ ૨૭૪ જેટલા લાભાર્થીઓની કેન્સરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી સ્તન કેન્સર માટે ૧૩૦, ગર્ભાશયના મુખનું કેન્સર માટે ૬૯ (HPV DNA Test), તથા મોઢાના કેન્સર માટે ૨૭૪ લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં ૬ લાભાર્થીઓને મેમોગ્રાફીની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તરફથી ડો.નિર્મલા યમાગર (સર્જીકલ ઓન્કોલોજીસ્ટ), ડો.સુનીતા યાદવ (ગાયનેકોલોજીસ્ટ), ડો.રવિ લુક્કા જયરાજ (સિનિયર રીસર્ચ ઓફિસર), શ્રી અંશુમાન વઢવાણા (કેમ્પ કો- ઓર્ડીનેટર) ઉપસ્થિત રહી લાભાર્થીઓની તપાસ કરી, સેવાઓ આપી હતી.
નવસારી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મયંક ચૌધરી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ભાવેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. ચિરાગ પટેલ તથા તેમની ટીમ દ્વારા સહાયક ભૂમિકા નિભાવવામાં આવી હતી.