Rajkot: ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની અધ્યક્ષતામાં ભાયાવદરમાં ૫૦૦ જેટલા બાળકોનો થયો શાળાપ્રવેશ
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“શિક્ષક જ સાચો જ્યોતિર્ધર છે , જે દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે”: ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા
ભગવાન જગન્નાથની રથયાત્રા ટાણે બાળકોએ શરૂ કરી શિક્ષણયાત્રા
Rajkot: અષાઢી બીજે એક તરફ ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળ્યા. બરાબર એ જ સમયે ભાયાવદરમાં બાલકૃષ્ણ જેવા ભૂલકાઓએ “શાળા પ્રવેશોત્સવ” સાથે શિક્ષણયાત્રા આરંભ કરી…
ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની અધ્યક્ષતામાં આજે ભાયાવદરમાં સાત પ્રાથમિક શાળાઓ તથા બે હાઈસ્કૂલનો “શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ” યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિકમાં આંગણવાડીમાં ૯૮, બાલવાટિકામાં ૧૩૮, ધોરણ-૧માં ૨૧ મળીને ૨૫૦થી વધુ બાળકો જ્યારે બે હાઈસ્કૂલમાં ધો. ૯માં ૧૫૨ તથા ધો.૧૧માં ૮૯ વિદ્યાર્થીઓનો આનંદભેર શાળાપ્રવેશ કરાવાયો હતો.
આ અવસરે ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રવેશાર્થી બાળકો સહિત સૌને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, શિક્ષક બાળકોમાં ભણવાની ઈચ્છા જગાવે તે ખૂબ જરૂરી છે. તેમણે શિક્ષકોને સાચા જ્યોતિર્ધર ગણાવતા કહ્યું હતું કે, શિક્ષક બાળકોના ભવિષ્યનું અને દેશના ભવિષ્યનું નિર્માણ કરે છે.
તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં એક સમયે ગામના ૨૦થી ૩૦ ટકા જેટલા બાળકો શાળાએ જતા જ નહોતા. તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યાનમાં આ બાબત આવતાં તેમણે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવ્યો હતો. આ પરિણામ સ્વરૂપે આજે ગામડામાં બાળકોનું સો ટકા નામાંકન થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે આજે સરકારી શાળાઓની સ્થિતિ ખુબ સારી બને છે અને માળખાકીય સુવિધાઓમાં વધારો થયો છે. સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ પામેલા શિક્ષકોની ભરતી થાય છે અને શિક્ષકોની પણ નિયમિત તાલીમ યોજાય છે.
બાળકોના ભવિષ્ય માટે ગુજરાત સરકાર ખૂબ મહેનત કરે છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર શિક્ષણ પાછળ મહત્તમ બજેટ ફાળવાતી હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
ભાયાવદર નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન સિણોજીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવથી બાળકના પાયાના ઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે. તેમણે બાળ ઉછેર અને કેળવણીમાં શિક્ષકો સાથે માતાની ભૂમિકાને પણ ખૂબ મહત્વની ગણાવી હતી.
ભાયાવદરની કન્યા તાલુકા શાળા, કુમાર તાલુકા શાળા, હોળીધાર પ્રાથમિક શાળા, ધોબીતળ પ્રા. શાળા, ખોડીયારપરા પ્રા. શાળા, વાવડીની વાવ પ્રા. શાળા, ખારાનેશ પ્રા. શાળા, ભાયાવદરની મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલ આ પ્રવેશોત્સવમાં ઉત્સવમાં જોડાઈ હતી.
આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે જ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા શાળાના તેજસ્વી રમતવીરો અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાઓના ઉત્સવ માટે દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ માટે રૂ. ૫૭ હજારથી વધુની રકમ દાન પેટે મળી હતી. જ્યારે અન્ય દાતા તરફથી ખારાનેશ તથા વાવડીનેસની પ્રાથમિક શાળા માટે એક- એક મોટા સ્માર્ટ ટીવી તથા એક – એક કમ્પ્યુટર ભેટ પેટે મળ્યા છે.
આ અવસરે પર્યાવરણ જતન તેમજ માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયંતીભાઈ બરોચિયા, ધોરાજી પશુ ચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાપડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષક અધિકારી શ્રી નિર્મલસિંહ વાળા, નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પરમાર, ભાયાવદર પાલિકાના ચીફ ઓફિસર શ્રી ડી.એન. કંડોરિયા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ભગવાનજીભાઈ પરસાણિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ ભોજાણી, અન્ય શૈક્ષણિક, સામાજિક આગેવાનો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



