નસવાડી તાલુકામાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી.

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ખેડૂતો માટે ખુશીની વાત સામે આવી છે. નસવાડી ખાતે આવેલ રેવા જિનિંગમાં કપાસ ખરીદી માટે સી.સી.આઈ (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા સત્તાવાર રીતે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પગલાંથી તાલુકાના કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત મળી છે.ખરીદીના પ્રથમ જ દિવસે અંદાજે 15 જેટલા ખેડૂતોનો કપાસ સી.સી.આઈ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અગાઉ નસવાડી તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે સંખેડા, સહિત અન્ય તાલુકાઓમાં જવું પડતું હતું, જેના કારણે સમય, મહેનત અને ખર્ચમાં વધારો થતો હતો.હવે નસવાડી ખાતે જ સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદી શરૂ થતા ખેડૂતોને ઘરઆંગણે સુવિધા મળી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. સ્થાનિક સ્તરે ખરીદી શરૂ થતાં પરિવહન ખર્ચમાં ઘટાડો થશે તેમજ ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળી રહેશે.રેવા જિનિંગ ખાતે ખરીદી વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ કપાસની ગુણવત્તા ચકાસણી બાદ ખરીદી કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં વધુ ખેડૂતો કપાસ વેચવા માટે આગળ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.નસવાડી તાલુકાના ખેડૂતો માટે સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદી શરૂ થવી ખેતીક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળશે.



