
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અમદાવાદની શાળાઓમાં બપોર બાદ શૈક્ષણિક કાર્ય બંધ: કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે બાળકોની સલામતી માટે વહીવટી તંત્ર ક્યારે જાગશે?
મુંદરા, તા. 14:
સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ માનવતાવાદી અભિગમ અપનાવીને ગરમીથી બાળકોને બચાવવા માટે મહત્વનો આદેશ જારી કર્યાના અહેવાલ છે. અમદાવાદની તમામ પ્રાથમિક શાળાઓમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને ત્યારબાદ રજા જાહેર કરવા સૂચના અપાઈનું જાણવા મળે છે. અમદાવાદના આ નિર્ણય બાદ હવે સરહદી અને રણ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે કે કચ્છમાં પણ ગરમીના પારાને જોતા શાળાઓના સમયમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે.
કચ્છની ભૌગોલિક સ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા તદ્દન અલગ છે. અહીં અમદાવાદ કરતા પણ વધુ ગરમી નોંધાય છે અને ખાસ કરીને છૂટાછવાયા વાંઢ વિસ્તારો તથા વાડી વિસ્તારોમાં રહેતા બાળકો માઈલો સુધી ચાલીને કે ખુલ્લા વાહનોમાં શાળાએ અભ્યાસ કરવા આવે છે. બપોરના સમયે રણની લૂ અને આકરા તાપમાં બાળકો લૂ લાગવાનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કચ્છના છેવાડાના વિસ્તારોમાં પરિવહનની સુવિધા મર્યાદિત હોવાથી નાના ભૂલકાઓને કાળઝાળ ગરમીમાં ઘરે પરત ફરવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.
આવી ગંભીર પરિસ્થિતિમાં કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા અમદાવાદના મોડેલને અનુસરીને સમયસરનો નિર્ણય લેવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. વાલીઓની માંગ છે કે બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને કચ્છની તમામ શાળાઓમાં પણ બપોરે ૧૨ વાગ્યા પહેલા શૈક્ષણિક કાર્ય આટોપી લેવામાં આવે. શું કચ્છનું શિક્ષણ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી અમદાવાદની જેમ બાળકોના હિતમાં ત્વરિત નિર્ણય લઈને રાહત આપશે? તેવા પ્રશ્નો હાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




