ભારતની અંડર-19 મહિલા ટીમે ઈતિહાસ રચ્યો
ભારતની અંડર-19 મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતે ટૂર્નામેન્ટમાં રમાયેલી બધી મેચ જીતી હતી. તેને એક પણ મેચમાં હારનો સામનો નથી કરવો પડ્યો. ટીમ ઈન્ડિયા માટે ટૂર્નામેન્ટમાં ગોંગડી ત્રિશાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ (309) રન બનાવ્યા છે. આ સિવાય તેણે આ ટૂર્નામેન્ટમાં 7 વિકેટ પણ લીધી છે.
ફાઈનલમાં ભારત સામે ઓલઆઉટ થતાં પહેલા સાઉથ આફ્રિકાએ 82 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, વુર્સ્ટે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 18 બોલનો સામનો કરીને 23 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા. ઓપનર જેમા બોથા 16 રન બનાવીને આઉટ થઈ હતી. આ દરમિયાન ભારત તરફથી ત્રિશાએ 3 વિકેટ લીધી. પારુણિકા અને આયુષી શુક્લાએ 2-2 વિકેટ લીધી. વૈષ્ણવીએ પણ 2 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચ જીતવા માટે 83 રનનોટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો. આ દરમિયાન ઓપનર ગોંગડી ત્રિશા અને કમલિની એ ટીમને સારી શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે માત્ર 4.3 ઓવરમાં 36 રન ઉમેર્યા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી લીધી.
આ બીજી વખત હતું જ્યારે મહિલા T20 વર્લ્ડ કપ અંડર-19 લેવલે યોજાઈ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટનું આયોજન પ્રથમ વખત 2023માં કરવામાં આવ્યું હતું જ્યારે ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત આ ટાઈટલ પોતાના નામે કર્યું છે. મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી ફક્ત એક જ વાર હારનો (2023માં) સામનો કરવો પડ્યો છે તે પણ એક રેકોર્ડ છે.
ગયા વર્ષે જૂનમાં ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યાને માત્ર 7 મહિના જ થયા છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પુરૂષોનો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે મેચમાં પણ ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને જ હરાવ્યું હતું. છેલ્લા 7 મહિનામાં ભારત દ્વારા જીતવામાં આવેલો આ બીજો વર્લ્ડ કપ છે.