નવસારી જિલ્લામાં ૩૮૪ ગામોમાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાની સર્વેની કામગીરી વેગવંતી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શનમાં અસરગ્રસ્ત ગામોમાં વિલેજ યુનિટ ગણીને પાક નુકસાની સર્વે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાના સમાવિષ્ટ ૩૮૪ ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી.
નવસારી જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતરમાં મુખ્યત્વે ડાંગર ધરાવે છે જને મોટું નુકસાન જોવા મળ્યું હતું. પાક નુકસાનીના આકલન અને પંચ રોજકામ સર્વે કામગીરી માટે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં સર્વે માટે ૧૩૮ ટીમો દ્વારા તમામ ગામની મુલાકાત લઇ ગામના સરપંચશ્રી અને ગામના ખેડૂત આગેવાનો સાથે નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી ૩૮૪ ગામોનું સર્વે કાર્ય પૂર્ણ કરી પંચરોજકામ કામગીરી કરવામાં આવી છે. બાકી રહેતા ગામોમાં કામગીરી શરૂ છે અને આવતીકાલે વહેલી સવારથી આ કામગીરી શરૂ કરી પૂર્ણ કરાવવાનું આયોજન છે.ખેતીવાડી કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈપણ ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનીટરીંગ ચાલુ છે.




