
ડેડીયાપાડા – અરેઠી ગામે ઘરમાં આકસ્મિક આગ લાગી, ચૈતર વસાવાના ધર્મપત્નીએ પીડિત પરિવારને ₹51,000ની સહાય કરી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/11/2025 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પરેઠી ગામે અમરસીંગભાઇ કાલીયાભાઈના ઘરે આકસ્મિક રીતે આગ લાગી હતી. જેના કારણે અમરસીંગભાઇનું અનાજ, ઘર વખરી સમાન, ડોક્યુમેન્ટ તથા પશુઓ નાશ પામ્યા હતા, આથી આ પરિવાર પર અચાનક જ એક મોટી આફત આવી પડી હતી. આ વાતની જાણ થતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા તથા આમ આદમી પાર્ટીના આગેવાનો રાજેન્દ્ર વસાવા, જગદીશ વસાવા, અનિરુદ્ધ વસાવા, સરપંચ રામસીંગભાઇ, સરપંચ નિલેશભાઈ, ગુલામભાઈ સહીતના આગેવાનોએ પીડિત પરિવારજનો સાથે મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી હતી.
આ ઘટનાને પગલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારને તાત્કાલિક ₹51,000ની આર્થિક સહાય આપી અને સાથે જ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે તંત્રને રજૂઆત કરવાની ખાતરી આપી. ગામમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર તરફથી પીડિતોને સમયસર આર્થિક સહાય ન મળવી દુઃખદ બાબત હોવાનું આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું.




