
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં વાજતે–ગાજતે અંતિમયાત્રા, નગરજનોમાં અચરજ – પરિવારજનો, સમાજના સભ્યો અને યુવાનો પાઘડીઓ પહેરી સંગીત સાથે નાચતા–કૂદતા અંતિમયાત્રામાં જોડાયા
મોડાસા શહેરમાં એક અનોખો પ્રસંગ તે વખતે ચર્ચામાં આવ્યો જ્યારે જાણીતા વેપારી પીતાંબરદાસ મથુરદાસ મુખી (ઉંમર 85) ના અવસાન બાદ તેમની અંતિમયાત્રા પરંપરાગત રીતે “રામ નામ સત્ય છે” બોલતા નહીં, પરંતુ વાજતે–ગાજતે, ડીજે સાથે અને નૃત્ય કરતાં હજારો લોકોની હાજરીમાં કાઢવામાં આવી.પીતાંબરદાસજી વર્ષોથી કારીયાણા અને ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ટૂંકી બીમારી બાદ તેમના અવસાન થતા તેમના પુત્ર તારાચંદે પિતાને જીવનભર કરેલી મહેનત અને સમાજસેવાનો માન આપવા માટે તેમની અંતિમયાત્રા અનોખી રીતે કાઢવાનો નિર્ણય કર્યો.પરિવારજનો, સમાજના સભ્યો અને યુવાનો પાઘડીઓ પહેરી સંગીત સાથે નાચતા–કૂદતા અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દૃશ્ય જોઈ શહેરના નાગરિકોમાં અચરજ સાથે ચર્ચાઓ પણ ઉઠી.પરિવારજનોએ જણાવ્યું કે—“જીવતા માણસે પરિવાર અને સમાજ માટે જીવનભર મહેનત કરી હોય, તો મૃત્યુ પછી પણ તેને સન્માનપૂર્વક વિદાય આપવી એ અમારી ફરજ છે.”આ અનોખી અંતિમયાત્રા શહેરભરમાં દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો






