નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીએ “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચનાઓ આપી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા. ૧૬ જુલાઈ: પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આવા જ અભિયાનના ભાગરૂપે, નવસારી મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી દેવ ચૌધરીના નેતૃત્વમાં નવસારીમાં નાગરિક સુવિધાઓના ઝડપી નિકાલ અને માર્ગ સંબંધી સમસ્યાઓના ઝડપી સમાધાન માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
ગત રાતે, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દૈવ ચૌધરી દ્વારા શહેરના માર્ગો વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બને તે હેતુથી રાત્રે ૧૦:૩૦ કલાકે ગણદેવી-ઇટાળવા રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીનું સરપ્રાઈઝડ નિરીક્ષણ કર્યું હતું. વિઝીટ દરમિયાન રોડ પર ખાડા ન રહે અને સમારકામ યોગ્ય રીતે થાય તે માટે તથા હાજર અધિકારીઓને “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા સૂચનાઓ આપી હતી.