વધુ વરસાદને લીધે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટના નિયંત્રણ માટે પગલાં લેવા બાબત

*વધુ વરસાદને લીધે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટના નિયંત્રણ માટે પગલાં લેવા બાબત*
*********
વધુ વરસાદને લીધે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે.
મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧% યુરીયાનું દ્રાવણ રેડવુ તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટરમાં ઓગાળી દ્રાવણ બનાવી છંટકાવ કરવો. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે તેમાં ૧૯-૧૯-૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ+ ૧૫ ગ્રામ માઇક્રોમિક્સ ગ્રેડ-૪, ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો.અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ ૧% દવાનુ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે તૈયાર કરીને છોડની ફરતે રેડવુ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ



