ભરૂચ શહેરના ડુમવાડામાં માદા શ્વાનને મારી નાખનારા 6 જણ સામે ફરિયાદ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના ડુમવાડ વિસ્તારમાં માદા શ્વાનને લાકડીના સપાટા મારી હત્યા કરવાના મામલામાં એ ડિવિઝન પોલીસ મથકે 6 સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં વિસ્તારમાં રહેતી ફરહીન સિરાજ પઠાણે ફરિયાદ આપી છે કે, તેમના ફળિયામાં બે મહિના પહેલાં એક માદા શ્વાને ત્રણ બચ્ચા આપ્યાં હતાં. તે તેમના ખાવા માટે આવતી હતી અને અનેકવાર તેમના ઘર બહાર ઓટલા પર બચ્ચાઓ સાથે સુઇ રહેતી હતી.
દરમિયાનમાં ગઇકાલે રાત્રીના બે વાગ્યે તેમના ફળિયામાં રહેતાં અકીલ ગુલામ હુસેન શેખ, મોહમંદ આરીફ મોહમંદ હુસેન શેખ, સફવાન ગુલામ હુસેન શેખ, મોહસીન મોહમંદ મુસ્તાક શેખ, ઐયુબ ગુલામ કાદર પાત્રાવાલા તેમજ અકરમ મુસ્તાક શેખ લાકડીઓ વડે માદા શ્વાનને મારતાં હતાં. જેથી તેમણે ત્યાં જઇ પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તે શ્વાન તેમના અવાર નવાર ખાવા માટે આવે છે આમ તેમ આંટા મારી ભસ્યા કરે છે. આજે તેને મારી નાંખવાની છે કહીં માર મારી તેની હત્યા કરી હતી. જે બાદ તેને કોથળામાં ભરી કચરાપેટીમાં ફેંકી દીધી હતી. જેથી તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.
				


