
મહીસાગર એઆરટીઓ દ્વારા માલવણ ખાતે ઉતરાયણ પૂર્વે રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
*****

અમીન કોઠારી, મહીસાગર
મહીસાગર જિલ્લા એ.આર.ટી.ઓ. મહીસાગર અને સુઆદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કોલેજ, માલવણ ખાતે આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતો નિવારવા માટે વિશેષ સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ આયોજનનો મુખ્ય હેતુ તહેવારના ઉત્સાહમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉતરાયણ ઉજવે તે માટેનો હતો. કાર્યક્રમ અંતર્ગત ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, જેથી ગળાના ભાગે આવતી પતંગની ઘાતક દોરીથી ચાલકોને બચાવી શકાય. આ પ્રસંગે એઆરટીઓ શ્રી એસ. બી. પટેલ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઉતરાયણ દરમિયાન સાવચેતી રાખવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તથા નિવૃત્ત આરટીમહાનુભાવો દ્વારા માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ રોડ સેફટી અંગેના શપથ લીધા હતા અને માર્ગ પર શિસ્તબદ્ધ વાહન ચલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે આરટીઓ ઈન્સ્પેક્ટર શ્રી એમ. એમ. પટેલ અને કોલેજના આચાર્યશ્રીએ ખાસ હાજરી આપી હતી.




