આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો

16 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે કોલેજની વાર્ષિક પ્રગતિ અને સિદ્ધિઓને પ્રદર્શિત કરતો “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના અધ્યક્ષશ્રી તરીકે ડૉ .સુરેશભાઈ વી. ચૌધરી (પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિ – શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર) તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી કે.બી. પટેલ (પોલીસ ઈન્સ્પેક્ટર, વિસનગર) અને શ્રી કિર્તીભાઈ જે. પટેલ (ઈ.સી. મેમ્બર્સ હેમ.ઉ.ગુ.યુનિ, પાટણ) તથા અન્ય મહાનુભાવોમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી, કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ચૌધરી, શાળા સંચાલન સમિતિના સભ્યશ્રી વિષ્ણુભાઈ ચૌધરી તેમજ કેળવણી મંડળના અન્ય હોદ્દેદારશ્રીઓ અને આદર્શ ઉચ્ચતર, માધ્યમિક અને પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આદર્શ સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ, વિસનગરના પ્રિન્સિપાલ શ્રી કાર્તિકભાઈ એન. કડીયા સાહેબે મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાનશ્રી કે.બી.પટેલે વ્યસન એ એક એવી બિમારી છે જે માણસને શારીરિક, માનસિક અને સામાજિક રીતે નાશ કરે છે. તો વિદ્યાર્થીઓને આવા દુષણોથી દૂર રહેવા અને શિક્ષણ થકી જીવન ઘડતર કરી પ્રગતિના શિખરો સિદ્ધ કરો એવી શુભેચ્છા પાઠવી હતી. મહેમાનશ્રી કિર્તીભાઈ જે. પટેલે પણ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને માતા-પિતા અને શિક્ષકોનું માન-સન્માન જાળવી તથા સંસ્કારોનું જતન કરી વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહના અધ્યક્ષશ્રી ડૉ .સુરેશભાઈ ચૌધરીએ “શિક્ષણ એટલે ચારિત્ર્ય ઘડતર અને જીવન વિકાસની વિપુલ તકો” વિશે પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કલકત્તા થીમ ડાન્સ, પિરામિડ,સોલો ડાન્સ,સંગીત, ઘુમ્મર, લેઝીમ ડાન્સ, રિમિક્સ ડાન્સ તથા નાટક વગેરે જેવા વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર અને રમતગમત તથા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓ અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના વરદ્ હસ્તે ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી અને નેશનલ કક્ષાએ રમતગમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર ચૌધરી નેત્રા અને ચૌધરી સાહિલને પણ મહાનુભાવોના વરદ હસ્તે ઈનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કોલેજના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. રવિભાઈને તાજેતરમાં જ પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રો. રાજભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આમ, કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાર્ષિકોત્સવ નું સુંદર આયોજન થયું હતું.





