GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: યુવતીને લગ્ન કરવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતા યુવકને કાયદાકીય પાઠ ભણાવતી રાજકોટની અભયમ ટીમ

તા.૩૧/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સમગ્ર રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને તત્કાળ સહાય પહોંચાડવામાં આવે છે. રાજકોટ ખાતે હેલ્પલાઇન પર એક યુવતીએ ફોન કરી જણાવ્યું હતું કે, તે જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી તે યુવકે તેમનો મોબાઇલ ફોન લઈ લીધો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. જેનાં પગલે ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર શ્રી સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શ્રી શિલ્પાબેન તથા પાયલોટ દર્શિત ભાઈ તાત્કાલિક યુવતીની મદદ માટે રવાના થયા હતા.

ટીમે સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ કરતા યુવતીએ જણાવ્યું હતું તે એક યુવકના સંપર્કમાં અંદાજિત છ વર્ષ પહેલાં આવી હતી .જેમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થતાં યુવતી અને યુવક બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ કહ્યું હતું કે, અંદાજિત છેલ્લા બે વર્ષથી યુવકના વર્તનમાં ફેરફાર થયો હતો. યુવક યુવતી પર અવાર નવાર શંકા કરતો હોય જેથી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની ના કહી હતી. આમ છતાં પણ યુવક યુવતીને લગ્ન કરવાનું દબાણ કરતો તેમજ યુવતીના માતા પિતાને તેમના બંનેના ફોટો મોકલી આપવાની ધમકી આપી યુવતીનો મોબાઈલ છીનવી લીધો હતો. યુવતીએ આ બાબતે અભયમ ટીમની મદદ માંગી હતી.

જેમાં ૧૮૧ ટીમે સ્થળ પર પહોંચી યુવક તથા માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી યુવકને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી હતી. તેથી યુવકે યુવતીનો મોબાઇલ પરત આપી દીધો હતો અને બાહેંધરી આપી હતી કે તે આજ પછીથી તેણી સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખશે નહીં. અભયમ ટીમે યુવકના મોબાઈલમાંથી યુવતીના ફોટોઝ ડિલીટ કરાવ્યા હતા. મોબાઈલ પરત મેળવી આપી અને યુવક તરફથી કોઈ હેરાનગતિ નહીં થાય તેવી બાંહેધારી મળતા યુવતી તથા તેમના સંબંધીએ હાલ આગળ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અને ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!