થરાદ પંથકમાં દૂધ-છાશ પર વધારાના ભાવ વસૂલાત, ગ્રાહક સુરક્ષા કાયદાનો ભંગ
દુકાનદાર માલિક ખુદ સ્વીકારે છે કે અમે પ્રિન્ટ ભાવ કરતા વધારે ચાર્જ વસુલીએ છીએ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લાનાં મુખ્ય મથક થરાદ વિસ્તારમાં દૂધ અને છાશના ભાવ મામલે ગ્રાહકો સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાવાઈ રહી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. થરાદ શહેરનાં દુકાનદારો દ્વારા અમુલ ડેરીના ઉત્પાદનો કાયદેસર છાપેલી કિંમત કરતાં વધારે ભાવે વેચાતા હોવાનું સામે આવ્યું છે. અમૂલ દૂધની નાની 500 ગ્રામ થેલી પર કાયદેસર કિંમત રૂપિયા 34 છાપેલી છે, પરંતુ દુકાનદારો ગ્રાહકો પાસેથી રૂપિયા 35 થી લઈને 40 રૂપિયા વસૂલે છે. ગ્રાહકોના હિત માટે બનાવવામાં આવેલા ગ્રાહક સુરક્ષા કાયદાનો આ ખુલ્લેઆમ ભંગ ગણાય. સામાન્ય ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ અને છાશ જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનો પર આ પ્રકારનો વધારો સીધો ગ્રાહકોના ખિસ્સા પર ભાર પડે છે. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે નારાજગી છે અને તેઓએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હકીકતમાં, ઉત્પાદક કંપની દ્વારા નક્કી કરેલી મહત્તમ રિટેલ કિંમત (MRP) કરતાં એક રૂપિયો પણ વધારે વસૂલવું કાયદેસર ગુનો ગણાય છે. આમ છતા થરાદ વિસ્તારમાં ખુલ્લેઆમ આ ગેરરીતિ ચાલે છે, જેને કારણે ગ્રાહકો સાથે છેડછાડ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે સંબંધિત અધિકારીઓ આ મુદ્દે કઈ કાર્યવાહી કરે છે કે નહિ