
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગર શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. વલસાડ વિભાગના તમામ ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓને તા.૧૪/૦૬/૨૦૨૫ અને ૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્ર થી પરત લઇ જવા માટે બસ સુવિધાઓ મળી રહે તે સમયે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન વલસાડ એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.
વલસાડ જિલ્લાથી ૨૪૫૮, નવસારી જિલ્લાથી ૨૮૭૧ અને ડાંગ જિલ્લાથી ૨૪૨૬ પરીક્ષાર્થીઓ સુરત ખાતે પરીક્ષા આપવા જનાર છે. પરીક્ષાર્થીઓના વધુ ધસારાની શકયતાઓ જણાય તે ધ્યાને લઈ ઓનલાઈન બુકીંગ વિભાગના તમામ ડેપો/કંટ્રોલ પોઈન્ટ ઉપરાંત નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઈન ટીકીટ આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે.
એકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરશ્રીનો સપર્ક કરવાથી મળી રહેશે એવુ એસટીના વિભાગીય નિયામકશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.



