BHARUCHGUJARAT

MLA ચૈતર વસાવા ની મુશ્કેલી વધી, ત્રણ દિવસમાં બીજી ફરિયાદ: અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો

સમીર પટેલ, ભરૂચ

કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સોમવારે ઝઘડિયાના રાજપારડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરૂદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે.

આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તા. 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો હતો.

જે ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે 4 વાગ્યે મારા પર ફોન આવ્યો હતો. જેથી અમે 4.30 વાગ્યાના અરસામાં અમે ત્યાં પહોંચ્યા હતા.

ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટની ઘટનામાં કોનું મૃત્યુ થયું છે?, કોને ઈજાઓ થઈ છે?, તેની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે. ત્યારબાદ ચાર લોકોના મૃત્યું થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી. એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માગ કરી હતી. વડતરની જાહેરાત થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી અમે માગ કરી હતી. ત્યાંરે કંપનીએ પણ એમના મેનેજમેન્ટ ઓથોરીટી સાથે વાત કરીને તેમને વડતરની જાહેરાત કરી હતી. જેથી અમે મૃતદેહનો પી.એમ. કરાવ્યા અને બાદમાં અમે તેમને અગ્નિસંસ્કાર માટે મોકલાવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ ત્યાનાં સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મીલીભગત કરીને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા પોતે અરજદાર બની 7 દિવસ બાદ ગત 10 ડિસેમ્બરે મારા પર ખોટી FIR કરી છે, ત્યારે અમે પોલીસ અને ભરૂચના SPને પણ કહીશું કે, અમે 35 જેટલા વીડિયો જાહેર કર્યા છે એના કરાણે જ અમારો અવાજ દબાવવા માટે તેઓ અમારી સામે આવી ખોડી ફરિયાદો કરી છે. ત્યારે એમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી, ભરૂચ પોલીસ વિભાગ અને SPમાં પાણી હોય તો અમે 35 વીડિયો આપ્યા છે. એ કયા અધિકારીઓ, કોના માટે દારૂના થેકાઓ પર ઉઘરાણી કરે છે, તેની તપાસ કરે અને એમની સામે કાર્યવાહી કરે. મારી ટીમ પર આવી ફરિયાદ કરવાથી અમે ડરવાના નથી. એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!