GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: NEW COPY VGRCમાં રજૂ થયેલા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’માં જાહેરાત

તા.૧૩/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશે

સૌરાષ્ટ્ર આર્થિક ક્ષેત્રના વિકાસ માટે નોન-મેટાલિક મિનરલ્સ (સિરામિક્સ), ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ તથા પ્રવાસન પર ભાર

પ્રાદેશિક વિકાસ માટે ગુજરાતના લાંબા ગાળાના રિજનલ માસ્ટર પ્લાન અન્ય રાજ્યો માટે રોલમોડેલઃ શ્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઈ.એ પેઢીગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂપાંતરિત થવું જરૂરીઃ એસ.અપર્ણા, ગ્રીટના સી.ઈ.ઓ.

સૌરાષ્ટ્ર માત્ર સપ્લાયર તરીકે નહીં પણ સંપૂર્ણ સિસ્ટમ અને સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે તે જરૂરીઃ અજય ભાદુ, અધિક સચિવ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

Rajkot: સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવવાની જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રજૂ થયેલા “સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન” (SaER)માં કરવામાં આવી હતી.

મારવાડી યુનિ. ખાતે સંપન્ન થયેલી વી.જી.આર.સી.માં SaER અંગેના મુખ્ય થીમેટિક સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ડેવલપર્સ, પોલિસી મેકર્સ તેમજ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર સાથે જોડાયેલા ૮૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

આ સેમિનારમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તૈયાર કરવાના ગુજરાત સરકારના વ્યુહાત્મક લક્ષ્ય પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતને વર્ષ ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં બે ટ્રિલિયન યુ.એસ. ડોલરના નિકાસનો રાષ્ટ્રીય લક્ષ્યાંક રખાયો છે. જેને હાંસલ કરવા ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા, નિકાસલક્ષી વિકાસ અને પ્રદેશોની આર્થિક કાયાપલટને મહત્વના ગણાવાયા છે.

પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગ્રીટ (GRIT) દ્વારા નોલેજ પાર્ટનર પ્રાઇઝવોટરહાઉસકૂપર પ્રા.લિ.ની સહાયથી આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં રૂ. ૩.૮ લાખ કરોડ હતો અને વર્ષ ૨૦૪૬–૪૭ સુધીમાં તેમાં ૧૫ ગણો વધારો કરીને રૂ. ૫૭.૬ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મુખ્ય રહેશે. SaERના વિકાસ માટે મુખ્ય ચાર પ્રાથમિક ક્ષેત્રોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે. જેમાં નોન-મેટાલિક મિનરલ્સ (સિરામિક્સ), ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ તથા પર્યટનનો સમાવેશ થાય છે.

ઉપરાંત, ઉત્પાદન આધારિત વૃદ્ધિને ગતિ આપવા માટે SaER માટે સાત મહત્વાકાંક્ષી (બિગ-ટિકિટ) પ્રોજેક્ટ્સ પણ નક્કી કરવામાં આવ્યા છેઃ જેમાં (૧) સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા બહુ-ક્ષેત્રીય નિકાસ ઉત્પાદન હબમાંથી એક બનાવવું, (૨) સૌરાષ્ટ્ર ડિફેન્સ ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર, (૩) રાજકોટ ખાતે મેગા ફૂડ પાર્ક અને એગ્રો ક્લસ્ટર, (૪) પ્રાદેશિક એરોસિટી અને એમ.આઈ.સી.ઈ. સેન્ટર, (૫) ભારતનો સૌથી મોટો ઈકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, (૬) ઉત્તર ગુજરાતમાં ઓ.ઈ.એમ. માટેનો સૌથી મોટો ઑટો પાર્ટ્સ હબ, અને (૭) એન્જિનિયરિંગ તથા ટેકનોલોજી ક્ષેત્રો માટેનો નોલેજ ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

“ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, ઊર્જા વગેરે ક્ષેત્રો સંબંધિત ૭૦થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આયોજનના તબક્કે છે. આ તમામ માટે ૨૦૪૭ સુધી અંદાજે રૂ. ૧૧ લાખ કરોડ જેટલા મૂડીરોકાણની જરૂર પડશે. તેમાંથી આશરે ૨૦ ટકા જરૂરિયાત ગુજરાત સરકારના ભંડોળ દ્વારા પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે બાકીના ૮૦ ટકા રોકાણ ખાનગી ક્ષેત્ર (PPP), મલ્ટી લેટરલ સહાય, કેન્દ્ર સરકારના અનુદાન વગેરે જેવા અન્ય ભંડોળ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવશે. ૨૦૪૭ સુધીમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રોમાં કુલ મળીને અંદાજે ૬૦ લાખ નવા રોજગાર સર્જાવાની આશા છે.

ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રીટ)ના સી.ઈ.ઓ. અને ચેરપર્સન શ્રીમતી એસ. અપર્ણા, આઈ.એ.એસ. (નિવૃત્ત)એ આ તકે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોએ પેઢીગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂપાંતરિત થવું જરૂરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વૈશ્વિક સ્પર્ધાત્મકતા’ અને ‘આત્મનિર્ભરતા’ ના બે મંત્રો આ પ્રદેશની વિકાસ વ્યૂહરચના માટે માર્ગદર્શક બની રહેશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવે એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને અપીલ કરી હતી કે તેઓ મોટા ઉદ્યોગોની સાથે ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે સ્કેલ, ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટી અપનાવે, જેથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક ક્લસ્ટરો સાચા અર્થમાં નિકાસ માટે સજ્જ બની શકે.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુએ પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન એ એક ગેમ-ચેન્જર પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્લાન પ્રદેશની પરંપરાગત શક્તિઓનો ઉપયોગ કરવાની સાથે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ક્ષેત્રોમાં વિવિધતા લાવશે, વૈશ્વિક રોકાણો આકર્ષશે અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપશે. તેમણે રૂ. ૨૫,૦૬૦ કરોડના બજેટ સાથે શરૂ કરાયેલા નવા ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ની માહિતી આપતા કહ્યું કે, છ વર્ષના આ પ્લાનનો ઉદ્દેશ્ય ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. અને નવા નિકાસકારોની ક્ષમતા વધારવાનો છે. તેમણે જણાવ્યું, “હવે સમય આવ્યો છે કે સૌરાષ્ટ્ર માત્ર સપ્લાયર તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ સિસ્ટમ અને સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે.”

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દેશમાં વર્લ્ડક્લાસ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવા અને એક્સપોર્ટ મિશનને વેગ આપવા માટે પૂરી રીતે કટિબદ્ધ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં બે ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા અને ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે સરકાર ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સંકલિત મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન વિકસાવવા પર ભાર મૂકી રહી છે. તેમણે ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું હતું કે, વિવિધ પ્રદેશોના વિકાસ માટે ગુજરાતે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે લાંબા ગાળાનું આયોજન અને રિજનલ માસ્ટર પ્લાન બનાવ્યા છે, તે અન્ય રાજ્યો માટે એક રોલ મોડેલ બન્યા છે.

પેનલ ચર્ચાઃ

ઉદ્ઘાટન સત્ર બાદ “મોટા પાયે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ ઝોન વિકસાવવા માટેના પડકારો અને સફળતાના પરિબળો” પર એક મહત્વપૂર્ણ પેનલ ચર્ચા યોજાઈ હતી. આ પેનલમાં મહિન્દ્રા લાઈફસ્પેસના વિક્રમ ગોયલ અને ગ્રીટના જોઈન્ટ સી.ઈ.ઓ. સુશ્રી સ્તુતિ ચારણ જોડાયા હતા. જ્યારે પ્રાઇસવોટરહાઉસકુપર્સના મોહમ્મદ અથર દ્વારા આ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

સુશ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર મજબૂત ઔદ્યોગિક પાયો ધરાવે છે. અહીં પ્રસ્તાવિત મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન ભારતનો સૌથી મોટો ઝોન હશે. જેમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથેના ઔદ્યોગિક પાર્ક, વેરહાઉસ, ટેસ્ટિંગ સેન્ટર અને ગ્રીન એનર્જી ઝોન જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત, આધુનિક ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે સ્કિલ ડેવલપમેન્ટ હબ અને રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.

મહિન્દ્રા લાઈફસ્પેસના ચીફ બિઝનેસ ઓફિસર (ઇન્ડસ્ટ્રીઝ) શ્રી વિક્રમ ગોયલે ઉમેર્યું હતું કે, “મોટા ઔદ્યોગિક ઝોનની સફળતા માટે ઉદ્યોગોના વિકાસની સાથે શહેરી સુવિધાઓનું વ્યવસ્થિત સંચાલન કરવું ખૂબ જરૂરી છે.”આ ચર્ચામાં મલ્ટી સેક્ટર એક્સપોર્ટ ઝોનની લાંબા ગાળાની સફળતા માટે પર્યાવરણને અનુકૂળ શહેરી અને ઔદ્યોગિક વિકાસ, મજબૂત સરકારી ટેકો અને સારી કનેક્ટિવિટીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

નોલેજ સેશન સેમિનારઃ

આ તકે સૌરાષ્ટ્રમાં મલ્ટી-સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોનની સંભાવનાઓ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં “સૌરાષ્ટ્રમાં મલ્ટી-સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોનની સંભાવનાઓ” વિષય પર એક નોલેજ સેશન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનો મજબૂત મેન્યુફેક્ચરિંગ પાયો, બંદરોની નિકટતા, સ્થાપિત ઔદ્યોગિક ક્લસ્ટરો અને નિકાસ-લક્ષી MSME ઇકોસિસ્ટમ જેવા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સૌરાષ્ટ્રની નિકાસ ક્ષમતા વધારવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

શ્રી અંકુર શાહ (MD, ક્રિષ્ના ડિફેન્સ એન્ડ એલાઈડ ઇન્ડસ્ટ્રીઝ)એ સંરક્ષણ (ડિફેન્સ) અને એરોસ્પેસ નિકાસની તકો વિશે માહિતી આપી. શ્રી પી.જી. જાડેજા (CMD, જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ)એ એન્જિનિયરિંગ નિકાસના સ્કેલને વધારવા અંગે વાત કરી. શ્રી સુમિત ચક્રવર્તી (AVP, અદાણી લોજિસ્ટિક્સ)એ સંકલિત નિકાસ વ્યવસ્થા માટે લોજિસ્ટિક્સના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.

સેમિનારના અંતે, મજબૂત આંતરમાળખાકીય આયોજન અને ઉદ્યોગો સાથેના સતત સંપર્ક દ્વારા મોટા પાયે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોનના આયોજન અને અમલીકરણને વેગ આપવા પર સર્વસંમતિ સધાઈ હતી.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સચિવ (પ્લાનિંગ) શ્રીમતી આર્દ્રા અગ્રવાલે સ્વાગત પ્રવચન કર્યું. જેમાં તેમણે ટકાઉ ઔદ્યોગિક વિકાસ, રોકાણો આકર્ષવા અને ગુજરાતની નિકાસ ક્ષમતાને મજબૂત કરવા માટે મોટા પાયાના સંકલિત મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!