
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
૧૩ વર્ષ બાદ મુંદરામાં ‘જય મહાવીર’ના નાદ : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા. આદિઠાણા પાંચનું ભવ્ય સ્વાગત
મુંદરા : બંદરીય નગરી મુંદરામાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ પૂનઃ ધર્મની સરવાણી ફૂટી છે. તારીખ ૮ ડિસેમ્બરના રોજ શ્રી તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા પાંચનું ભવ્ય નગર પ્રવેશ સામૈયું યોજાયું હતું.
ઢોલ-નગારાના તાલે અને ‘બોલો રે બોલો જય મહાવીર’ના ગગનભેદી નારા સાથે આખી નગરી મહાવીરમય બની ગઈ હતી. બહેનોએ ઠેર ઠેર સુંદર રંગોળીઓ દ્વારા મહારાજ સાહેબનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
🙏 સદા સત્યના માર્ગે રહેવાનો અને જીવદયાનો સંદેશ :
આરાધના ભવન ખાતે મહારાજ સાહેબે માંગલિક સંભળાવતા ભાવિકોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, “તમે ગ્રાહક સાથે છેતરપિંડી ન કરો, ભગવાન બધું જ જુએ છે.” તેમણે જીવદયા ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને વિવિધ દૃષ્ટાંતો દ્વારા ઉપસ્થિત ભાવિકોને એક કલાક સુધી જકડી રાખ્યા હતા જેના કારણે એક સમયે આરાધના ભવન પણ ટૂંકો પડ્યો હતો.
ગુરુ પૂજન તથા કામળી વહોરાવવાનો લાભ કંચનબેન વાડીલાલ હિરાચંદ ફોફડીયા પરિવારે લીધો હતો.
🗓️ ભદ્રેશ્વર ખાતે અઠ્ઠમ તપનું આહ્વાન :
મહારાજ સાહેબે તારીખ ૧૩, ૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ ભદ્રેશ્વર ખાતે તેમની નિશ્રામાં યોજાનાર અઠ્ઠમ તપમાં સર્વ ભાવિકોને જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ફોફડીયા, વરિષ્ઠ પત્રકાર અશ્વિન ઝીંઝુવાડીયા, ભોગીભાઈ મહેતા તથા પાંચેગરછના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરત મહેતાએ કર્યું હતું તેમ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



