અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મંત્રી બન્યા બાદ પી.સી. બરંડાએ કર્યા શામળાજીમાં દર્શન, મોડાસા કમલમ ખાતે પણ આપી હાજરી, કાર્યકર્તાઓ એ વધાવી લીધા
અરવલ્લી જિલ્લાના મેઘરજ-ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી. બરંડા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે શામળાજી પધાર્યા હતા. તેમણે ભગવાન શામળિયાના મંદિરે પહોંચી શીશ ઝુકાવી દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા.મંત્રી તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત શામળાજી પહોંચતા સ્થાનિક કાર્યકર્તાઓ અને ભક્તોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં “ભાજપ જિંદાબાદ”ના નારા વચ્ચે બરંડાને પુષ્પહાર પહેરાવી વધામણી કરવામાં આવી હતી.આ અવસરે મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું કે, “કેન્દ્રીય તથા રાજ્ય નેતૃત્વે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હું કટિબદ્ધ રહીશ.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી એ માત્ર સન્માન નહીં પરંતુ જવાબદારી છે, અને હું આ વિશ્વાસને કાર્યો દ્વારા સાચું ઠેરવીશ.”શામળાજી ખાતે દર્શન બાદ બરંડાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને આગામી દિવસોમાં વિસ્તારના વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.