ARAVALLIGUJARATMODASA

રાજકીય પરીક્ષામાં પાસ : પૂર્વ IPS મનોજ નિનામાએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો, ઓડ જિલ્લા પંચાયતથી લડશે ચૂંટણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રાજકીય પરીક્ષામાં પાસ : પૂર્વ IPS મનોજ નિનામાએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો, ઓડ જિલ્લા પંચાયતથી લડશે ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થતાં જ નવા ચહેરાઓની એન્ટ્રી સાથે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસમાં નીડર અને પ્રામાણિક અધિકારી તરીકે ઓળખ ધરાવતા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાએ રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરીને ભાજપમાં જોડાઈ રાજકીય સફરની શરૂઆત કરી છે

શામળાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં મનોજ નિનામાએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારબાદ ભિલોડા તાલુકાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરતા રાજકીય અટકળોનો અંત આવ્યો હતો.

માહિતી મુજબ મનોજ નિનામા આગામી 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ નિવૃત્તિના ગણતરીના દિવસો પહેલા જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રાજીનામું આપી દીધું હતું. રાજ્ય સરકારે તેમનું રાજીનામું મંજૂર કરતા જ તેઓ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી, જે હવે સાચી સાબિત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમનું ભાજપમાં જોડાવું ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.ભાજપમાં જોડાયા બાદ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે હવે તેઓ સમાજ માટે કામ કરવા માંગે છે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપવા માટે રાજકીય પ્લેટફોર્મ જરૂરી લાગતા તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

મનોજ નિનામાની છબી એક કડક અને નિર્ભય પોલીસ અધિકારી તરીકે રહી છે. ચર્ચિત આસારામ કેસમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. લાખો અનુયાયીઓના દબાણ વચ્ચે પણ તપાસ પૂર્ણ કરીને કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. ઉપરાંત વડોદરાના હરણી બોટ કાંડની તપાસની જવાબદારી પણ સરકાર દ્વારા તેમને સોંપવામાં આવી હતી.પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાના રાજકારણમાં પ્રવેશથી અરવલ્લી જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે તેમની લોકપ્રિયતા અને વહીવટી અનુભવ ભાજપ માટે આવનારી ચૂંટણીઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!