
નર્મદા જિલ્લામાં ભાજપ સંગઠન નવા માળખાની જાહેરાત બાદ રાજપીપળા કમલ ખાતે કાર્યકર્તાઓની બેઠક મળી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગઈકાલે જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે અનુસંધાને આજે રાજપીપળા કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તથા નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તથા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.બેઠક દરમિયાન આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય ભૂમિકા ભજવવાની હાકલ કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવી, છેવાડા સુધીના માનવીને સરકારની યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને પણ બેઠકમાં આવકારવામાં આવ્યું હતું. બજેટને સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે આ બજેટ દેશના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, યુવા અને મહિલાઓ માટે લાભદાયી સાબિત થશે તેમજ છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ, મોરચા-પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





