વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજનાં આજે વહેલી સવારે બે ટુકડા થઈ જતા હાહાકાર મચી ગયો હતો.આ બ્રિજ તૂટવાથી 9 વ્યક્તિઓનાં મૃત્યુનાં સમાચાર મળી રહ્યા છે.આ ઘટના બાદ ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ફરી એલર્ટ મોડમાં આવી છે.
અગાઉ મોરબી બ્રિજ હોનારત બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં આવેલા જર્જરિત પુલોનાં રિપોર્ટ કલેક્ટર અને રાષ્ટ્રીય માર્ગ વિભાગ,રાજ્ય અને પંચાયત ધોરીમાર્ગ વિભાગ પાસેથી મંગાવ્યા હતા.આજની ઘટનાના પગલે ફરી એકવાર પુલોની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે.મોરબી બાદ આજરોજ વડોદરા ખાતે ગંભીરા પુલનાં બે તુકડા થઈ જતા રાજ્ય સરકારે ફરી તમામ જિલ્લાનાં જર્જરીત પુલનાં રિપોર્ટ કલેકટર અને રાષ્ટ્રીય, રાજય અને પંચાયત ધોરીમાર્ગ વિભાગ પાસે માંગ્યો હોવાનું જાણવા મળ્યુ છે.જેને લઈને ડાંગ જિલ્લામાં પણ પુલોનાં ટેસ્ટિંગ માટે રાજય અને પંચાયત ધોરીમાર્ગ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે.જેમાં ડાંગ જિલ્લામાં રાજય ધોરીમાર્ગ અને જિલ્લા પંચાયત હસ્તકનાં તમામ બ્રિજ સારી હાલતમાં હોવાની વિગતો જાણવા મળી રહી છે.ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજય સરકાર એલર્ટ મોડમાં આવી છે.ત્યારે ડાંગ જિલ્લાનાં રાજય ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણા તથા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર. બી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે,જિલ્લામાં રાજય ધોરીમાર્ગ વિભાગ તથા જિલ્લા પંચાયત હસ્તકનાં તમામ બ્રિજની હાલત સુરક્ષિત છે.અને ટ્રાફિકેબલ છે.તેમજ હાલમાં થોડા સમય પહેલા જ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાંથી તબદીલ કરાયેલ વઘઇથી ભેંસકાતરીને જોડતા માર્ગનાં બે જેટલા બ્રિજ જુના હતા.જેનું રીપેરીંગ થઈ ગયુ છે.આ સાથે બન્ને બ્રિજ પર ટ્રાફીક ઓછી જોવા મળે છે.વધુમાં આ બન્ને બ્રિજ પર હેવી વાહનો બંધ કરાયા છે.બાકી હાલની દ્રષ્ટિએ જિલ્લામાં સ્ટેટ વિભાગ હસ્તકનાં તમામ બ્રિજ સારી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.વધુમાં ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં બ્રિજો પણ સારી હાલતમાં છે.અમુક જુના પુલો હતા એ પુલોની જગ્યાએ નવાની મંજૂરી મળી છે.જ્યારે અમુક બ્રિજ પ્રગતિમાં હોવાનું જણાવ્યુ હતુ.વધુમાં બોરીગાવઠા થી વઘઈ -ડુંગરડા – ભેંસકાતરીને જોડતો માર્ગ પરના પૂલ પર હાલમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે..