હાલોલની ઘનસર વાવ પ્રાથમિક શાળામાં કુકર ફાટવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું, મધ્યાહન ભોજન અંગે શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૬.૨૦૨૪
હાલોલ તાલુકાની ઘનસરવાવ પ્રાથમિક શાળા માં ગુરુવાર ના રોજ મધ્યાહન ભોજન ખંડમાં પ્રેસર કુકર ની રીંગ ખરાબ હોવાથી અથવા કોઈ કારણોસર પ્રેશરથી કુકરનું ઢાંકણુ ધડાકા ભેર ખુલી જતા શાળા માં ભણતી ૪ વિદ્યાર્થીનીઓ જે મધ્યાહન ભોજન ખંડમાં હાજર હતી.તે દાઝી જતા ચકચાર મચી જવા પામી હતી.જે બનાવ ને પગલે તંત્ર હરકતમાં આવતા તાલુકામાં આવતી તમામ પ્રાથમિક શાળાના આચાર્યોને સંબોધીને તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે.જેમાં મધ્યાહન ભોજન અંતર્ગત જરૂરી સાવચેતીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.ગુરુવાર ના રોજ હાલોલ તાલુકાના ઘનસર વાવ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ખંડમાં પ્રેશર કુકર ઢાંકણું ખૂલી જવાની ઘટનામાં ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય રીતે દાઝી જવાના બનાવ બાદ તંત્ર સફાળુ જાગી હરકતમાં આવ્યું છે.જેમાં ઘટના બન્યાના દિવસે જ ઘટના સામે આવ્યા બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા તાલુકામાં આવતી તમામ પ્રાથમિક શાળામાં આચાર્યોને સંબોધીને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.જેમાં જણાવ્યા મુજબ મધ્યાન ભોજન બનાવવામાં આવતું હોય તે રૂમ કે તે જગ્યાની આસપાસ બાળકો ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, મધ્યાન ભોજન બનાવવા માટે શાળા કક્ષાએ જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે.જેથી આ માટે કોઈપણ બાળકની સહાય લેવાની રહેશે નહીં, તેમજ મધ્યાહન ભોજન અંતર્ગત આપેલ તમામ સાધનો જેવા કે કુકર, ગેસના સઘડા, ગેસના બોટલ,ગેસની પાઇપલાઇન,ગેસનું રેગ્યુલેટર આ તમામ સાધનોની જરૂરી ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે. તેમજ કોઈપણ સાધનમાં ખામી જણાય તો તાત્કાલિક ઉપલી કચેરીએ ટેલીફોનિક તેમજ લેખિત જાણ કરવાની રહેશે. મધ્યાન ભોજન યોજના અંતર્ગત ખામીયુક્ત સાધનો વાપરવાના રહેશે નહીં તેમજ મધ્યમ ભોજન રૂમ બહાર કે અંદર એક ફાયર સેફટી બોટલ હોવો અનિવાર્ય છે.સદર બાબતોનો તમામ પ્રાથમિક શાળાઓ માં તાત્કાલિક ધોરણે અમલીકરણ થાય તે જરૂરી છે. આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે.જેની નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ગોધરા પ્રાંત અધિકારી હાલોલ તેમજ હાલોલ મામલતદાર ને પણ જાણ કરવા માટે મોકલી આપેલ છે.જોકે અહીંયા વાત એ છે કે “ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા” આ ઉક્તિ સાર્થક થતી જોવા મળી રહી છે. હર હંમેશ કોઈપણ પ્રકાર ની ઘટના બન્યા બાદ તંત્ર હરકતમાં આવતું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ પ્રકારના બનાવો બનતા અટકાવવા તંત્ર ક્યારે આગોતરું આયોજન હાથ ધરશે ? જેવા અનેક પ્રશ્નો આ ઘટના બાદ આકાર પામી રહ્યા છે.






